(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : નુમા ઇન્ડિયા, દમણ બ્રાન્ચ દ્વારા રાષ્ટ્રીય કક્ષાના 16 માર્શલ આર્ટ કેમ્પનું સફળ આયોજન ગુજરાતના તાપી જિલ્લાના આંબાપાણી ઈકો ટુરિઝમ કેમ્પ સાઈટ પર કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિદ્યાર્થીઓને એડવાન્સ કરાટેની તાલીમ સિવાય તેમને યોગ, માર્શલ આર્ટ, વેપન્સ, આત્મરક્ષાની કળા તથા બેઝિક સ્ટન્ટ વગેરે જેવા દાવની તાલીમ પણ આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તાપી જિલ્લાના આંબાપાણી ઈકો ટુરિઝમ કેમ્પ સાઈટ પર આયોજીત માર્શલ આર્ટ કેમ્પમાં ટ્રી ટોપ એડવેન્ચર, ફોરેસ્ટ ટ્રેકિંગ, કેમ્પ ફાયર અને ફનગેમ જેવી વિવિધ પ્રવૃત્તિઓની પણ તાલીમ આપવામાં આવી હતી.
આ કેમ્પમાં નુમા ઇન્ડિયા દમણના કરાટે વિદ્યાર્થી શ્રી રૂદ્ર પટેલે બ્લેક બેલ્ટ પ્રાપ્ત કર્યો હતો. કેમ્પમાં બેસ્ટ પરફોર્મર મેડલ શ્રી દીપેશ પટેલ અને શ્રી રિંકુ રાજપુરોહિતના ફાળે ગયો હતો. કેમ્પના છેલ્લા દિવસે ડેમો અને ટીમ ગેમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્પિયન બનનારી ટીમને મેડલ અને માર્શલ આર્ટ્સ સ્ટીકર આપીને સન્માનિત કરવામાં આવી હતી. કેમ્પના તમામ સહભાગીઓને નુમા ડાયરેક્ટર શ્રી આકાશ ઉદેશીએ નેશનલ કેમ્પ સર્ટિફિકેટનું વિતરણ કર્યું હતું. સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે ચીફ કોચ શ્રી અર્જુન ઉદેશી, સ્પેશલકેમ્પ ટ્રેનર શ્રી પાર્થ પારડીકર, શ્રી પ્રિન્સ પાલેકર, કુ. નિકિતા ઉદેશી, કુ. પ્રાચી પટેલ, શ્રી બંટી રામ અને ગર્લ્સ ઈન્ચાર્જ સ્નેહા જરીવાલાએ પોતાનો સહયોગ આપ્યો હતો.
