(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: મેડિકલના વ્યવસાય સાથે ખીલવાડ કરનારાઓના પાપે દર્દીઓના જીવન જોખમમાં મુકાઈ રહ્યા છે. તાજેતરમાં જ સુરત તેમજ નવસારી જિલ્લામાંથી બોગસ ડોક્ટરો ઝડપાયાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે નવસારી જિલ્લામાં પણ બોગસ હાટડી ખોલીને બેઠેલા ડિગ્રી વગરના ડોક્ટરોનો ઝડપી પાડવા નવસારીપોલીસે લાલ આંખ કરી છે. જ્યારે ચીખલી તાલુકાના સારવણી ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા હોવાની બાતમીના આધારે નવસારી એસઓજી પોલીસના હે.કો-સંતોષભાઈ સુનિલભાઈ, પો.કો-કિરણભાઈ દિનેશભાઈ સહિતનો સ્ટાફ સારવણી વિથ્થલવાડી ફળીયા ખાતે સાંઇ ક્લિનિકમાં રેડ કરી ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર માંગતા ન હોવાનું જણાવતા નવસારી એસઓજી પોલીસે ડિગ્રી વગરના ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા સંજય રમણભાઇ સોનાવાલા (ઉ.વ-53) (રહે.સારવણી વિઠ્ઠલવાડી ફળિયું તા.ચીખલી જી.નવસારી) (મૂળ રહે.સોનવાડા ગામ તા.જી.વલસાડ) ને ઝડપી પાડી અલગ અલગ એલોપેથીક દવાઓ તથા ડોક્ટરી પ્રેક્ટિસ કરવા માટેની સાધન સામગ્રી મળી રૂ.10,835/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી બનાવ અંગેની ફરિયાદ ફડવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.ક્રુતિકાબેન અંકિતભાઈ પટેલ (ઉ.વ-36) એ કરતા પોલીસે ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એકટની જોગવાઈ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીએસઆઇ-એસ.વી.પટેલ કરી રહ્યા છે.

