નર્મદા-તાપી-પાર રીવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં જાહેર સભા યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11
નર્મદા-તાપી-પાર રીવર લિંક પ્રોજેક્ટનો આદિવાસી પૂર્વ પટ્ટીમાં જોરદાર ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ધરમપુરમાં યોજાયેલ આદિવાસીઓની પ્રચંડ રેલી બાદ આજે ડાંગ-વઘઈમાં રીવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવા આદિવાસીઓની ઘોડાપુર રેલી જાહેરસભામાં ઉમટી પડી હતી.
વઘઈના ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાં રીવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આજે શુક્રવારે વઘઈમાં મહાસભા અને રેલીનું આયોજન કરાયું હતું. તેમાં આદિવાસીઓનું ઘોડાપુર ઉમટી પડયુંહતું. ઉલ્લેખનીય છે કે, સંસદ અંદાજપત્ર બેઠકમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટની જાહેરાત અને નાણાંની ફાળવણીનો ઉલ્લેખ કર્યો હતો. બજેટમાં થયેલી આ જાહેરાત બાદ તેના પ્રત્યાઘાતો ખાસ કરીને પૂર્વ પટ્ટી ડાંગ, ધરમપુર, આહવા, કપરાડા આદિવાસી વિસ્તારમાં પડયા હતા. થોડા દિવસ પૂર્વે ધરમપુરમાં પણ મોટી સંખ્યામાં આદિવાસી રેલી યોજાઈ હતી તે મુજબ આજે વઘઈ બિરસા મુંડા ગ્રાઉન્ડમાં ડેમના વિરોધમાં રેલી યોજાઈ હતી. રેલીને સંબોધતા ધારાસભ્ય અનંત પટેલએ જણાવ્યું હતું કે, નિર્મલા સીતારમણ સંસદમાં અંગ્રેજીમાં ભલે બોલી ગયા હોય પણ આપણે અંગ્રેજી નથી જાણતા. રીવર લિંક પ્રોજેક્ટથી આપણી જમીનો જશે, આપણે બેઘર થઈશું તેવુ જણાવી તેમણે ‘‘ડેમ હટાવો ડાંગ બચાવો”નો સુત્રોચ્ચાર કરાવ્યો હતો. સભામાં પરંપરાગત ઉમટેલા આદિવાસીઓ નૃત્ય પણ કરતા જોવા મળ્યા હતા.