સરકારના લાખો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો હોવાની જોવા મળી રહેલી સ્થિતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.24
એક વર્ષ પૂર્વે જ લાખો રૂપિયાના ખર્ચે પાકી બનાવાયેલ મજીગામ માઇનોર કેનાલમાં ઠેર ઠેર તિરોડો પડવા સાથે કોન્ક્રીટના હાડ પિંજર બહાર આવી જતા અંબિકા સબ ડિવિઝનના અધિકારીઓનો ભ્રષ્ટાચાર સપાટી પર આવી જવા પામ્યો છે અને સરકારના લાખો રૂપિયાનો વેડફાટ થવાની સ્થિત સર્જાઈ છે.
ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળીરહે અને પાણીનો બગાડ નહી થાય તે માટે સરકાર દ્વારા તબક્કાવાર લાખો રૂપિયાના ખર્ચે નહેરને સિમેન્ટ કોન્ક્રીટ વાળી પાણી બનાવવામાં આવી રહી છે.પરંતુ ભ્રષ્ટ અધિકારીઓના પાપે ખેડૂતોને લાભ થવાના સ્થાને માત્ર આ લાંચિયા અધિકારીઓ અને એજન્સીને જ થઈ રહ્યો છે.
મજીગામ માઇનોર કેનાલનું ગત વર્ષ જ લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયું હતું.આ કેનાલની કોન્ક્રીટની સપાટીમાં એકાદ વર્ષના ટૂંકા ગાળામાં જ ઠેર ઠેર તિરાડો પડવા પામી છે. કેટલીક જગ્યાએ તો કોન્ક્રીટમાં રીતસરના બોકારો પડી જવા પામ્યા છે અને કપચી-રેતી બહાર જોવા મળી રહી છે.
ઉપરાંત કેનાલના કામની ગુણવત્તા ચકાસવા માટે જે તે સમયે ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત પણ થઈ હતી. પરંતુ સેટિંગ ડોટ કોમની નિટીરીતીમાં કોઈ પગલાં લેવાયા ન હતા. ખરેખર સરકારના લાખો રૂપિયાનો આ રીત વેડફાટ થતો હોય તેવા સંજોગોમાં માપપોથીમાં માપની નોંધ કરનાર સુપર વિઝનના જવાબદાર મદદનીશ ઈજનેર,નાયબ કાર્યપાલક ઈજનેર સહિતના સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.પરંતુ ભય વિનાના ભ્રષ્ટાચારના શાસનમાં આવી કોઈ કાર્યવાહી થતી નથી.જેને પગલે લાંચિયા અધિકારીઓ બેફામ બની ભ્રષ્ટાચાર આચરતા હોય છે.
અંબિકા સબ ડિવિઝનના અધિકારી આવી બાબતે ગેરેન્ટીપિરિયડની કેસેટ વગાડી પોતાની બેદરકારી છુપાવી રહ્યા છે.ત્યારે સમગ્ર બાબતે તપાસ થાય અને જવાબદારો સામે પગલાં લેવાઈ તે જરૂરી છે.
અંબિકા સબ ડિવિઝનના ડેપ્યુટી ઈજનેર જીજ્ઞેશભાઈના જણાવ્યાનુસાર મજીગામ માઇનોર કેનાલ કેટલા રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી. તે હાલે ખબર નથી. ઓફિસમાં જવું પડે તિરાડો પડવાના કિસ્સામાં ત્રણ વર્ષની લાયેબિલિટી પિરિયડ હોવાથી એજન્સીને જાણ કરતા મરામત કરી દેવાતી હોય છે.