જાદુની દુનિયામાં ગૌરવપ્રદ નામ રોશન કરી ભારતની પ્રાચીન કલાને જીવંત રાખી રહેલા કરન જાદુગર સાથે ‘વર્તમાન પ્રવાહ’એ કરેલો વાર્તાલાપ
દુનિયામાં તંત્ર, મંત્ર, મેલી વિદ્યા, ભૂતભૂવા, ચુડેલ, ડાકણ જેવી કોઈ વસ્તુ નથી અને જેઓ કહે છે તેઓ ઢોંગી અને ધુતારા હોય છે જાદુ એકમાત્ર તરકીબ છે : કરન જાદુગર
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) દમણ, તા.19
જાદુની દુનિયામાં પોતાનું ગૌરવપ્રદ નામ રોશન કરી ભારતની પ્રાચીન કલાને જીવંત સ્વરૂપ આપી રહેલા હિંમતનગરના શ્રી કરન જાદુગરે દેશના 16 રાજ્યોમાં પોતાના 20 હજારથી વધુ શો કર્યા છે. જાદુની દુનિયામાં 36 વર્ષનો અનુભવ ધરાવતા શ્રી કરન જાદુગર છેલ્લા 27 વર્ષથી જાદુના શો કરી લોકોને મનોરંજન પિરસી રહ્યા છે.
આજે ‘વર્તમાન પ્રવાહ’એ ગુજરાતના ગૌરવ એવા શ્રી કરન જાદુગર સાથે વાતચીત કરવાનો લ્હાવો લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, જાદુ કળા એ પ્રાચીન કળા હોવાની સાથે હવે લુપ્ત થતી કળા છે. સરકાર તરફથી જાદુની કળાને પ્રોત્સાહન આપવા માટે કોઈ સહાય મળી નથી. પરંતુ ભારત સરકારે જાદુ કળાને જીએસટી કે મનોરંજન કરના દાયરામાં નહી લઈ મોટી સહાય કરી છે.
શ્રી કરણ જાદુગરે વધુમાં જણાવ્યું હતું કે, મોબાઈલના જમાનામા પણ જાદુને લોકો લાઈક કરે છે. પરિવારના નાના-મોટા દરેક માટે જાદુ સરસ અને સ્વસ્થ મનોરંજન પુરુ પાડે છે.
શ્રી કરન જાદુગરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દુનિયામાં તંત્ર, મંત્ર, મેલી વિદ્યા, ભૂતભૂવા, ચુડેલ, ડાકણ જેવી કોઈ વસ્તુ નથી અને જેઓ કહે છે તેઓ ઢોંગી અને ધુતારા હોય છે. જાદુ એકમાત્ર તરકીબ છે.
શ્રી કરન જાદુગરે કોરોનાના લોકડાઉનના કપરાકાળમાં કલાકારોની થયેલી દયનીયહાલતનો પણ સંવેદનશીલતા સાથે ચિતાર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દરેક કલાકારને પોતાનું એક સ્વાભિમાન હોય છે અને સ્વાભિમાન સાથે થતી જરા સરખી પણ છેડછાડ તેઓ બરદાસ્ત કરતા નથી.