(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.13
આજેસંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદે દમણની પરિયારી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળા દ્વારા આયોજીત પ્રવેશોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં પરિયારી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પંક્તિબેન પટેલ, શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ શ્રી ધરમભાઈ પટેલ, વાલી મંડળ તરફથી શ્રી જીજ્ઞેશભાઈ દમણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત સરકારી પ્રાથમિક શાળા પરિયારીના ઈન્ચાર્જ આચાર્યા શ્રીમતી મિનલબેન આર. પટેલે કર્યું હતું. મહેમાનોનું પુસ્તક અને પુષ્પગુચ્છ તથા ફળોની ટોપલી દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. ધોરણ 1માં પ્રવેશ લીધેલા બાળકોને શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદ, સરપંચ શ્રીમતી પંક્તિબેન પટેલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કિટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદે જણાવ્યું હતું કે, શિક્ષણ સચિવનો અખત્યાર સંભાળ્યો ત્યારથી પ્રવેશોત્સવની બાબતમાં ઘણું સાંભળ્યું હતું અને આજે ખરેખર પ્રવેશોત્સવના આયોજન અને તેના હેતુથી તેઓ ખુબ જ પ્રભાવિત બન્યા હોવાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે શિક્ષકોને બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવવા પણ હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પહેલા ધોરણમાં પ્રવેશ લીધેલાબાળક માટે પોતાના ઘર પછી શાળાનું વાતાવરણ તેના ભવિષ્યના નિર્ધારણ માટે ખુબ જ મહત્વનું રહે છે. તેથી શિક્ષકોને સંવેદનશીલ અને પ્રેમાળ બની બાળકની માવજત કરવાની પણ શિખામણ આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ 7 અને 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અનુક્રમે કુ.હર્ષિતા હળપતિ અને કુ. દિક્ષિતા હળપતિએ શિક્ષિકા શ્રીમતી તેજલ માહ્યાવંશીના માર્ગદર્શન હેઠળ ખુબ જ રસપ્રદ રીતે કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા પરિયારીના ઈન્ચાર્જ આચાર્યા શ્રીમતી પુષ્પાબેન રાઠોડે આટોપી હતી.
આ પ્રસંગે સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદ દ્વારા ધોરણ 1માં પ્રવેશ મેળવેલ બાળકો સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
પ્રારંભમાં ધોરણ 1માં પ્રવેશ બાળકોને ટ્રેક્ટરમાં બેસાડી રેલી કાઢવામાં આવી હતી, તેમને તિલક અને પુષ્પથી આવકારી શાળાના પટાંગણમાં પ્રવેશ અપાયો હતો. જેમાં શાળાના શિક્ષકો, વાલીઓ તથા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ હાજર રહી ઉત્સાહવર્ધન કર્યું હતું.