(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.13
મોટી દમણની ભામટી અને દમણવાડા પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળામાં સંયુક્ત રીતે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા પહેલા ધોરણમાં પ્રવેશ લીધેલ બાળકોની ટ્રેક્ટર મારફત રેલી કાઢવામાં આવી હતી અને ઠેર ઠેર આનંદ અને ઉત્સાહનું વાતાવરણ પેદા કરાયું હતું.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સંઘપ્રદેશના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવ શ્રી સુરેશ ચંદ્ર મીણા, દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી તેમજ શાળા પ્રબંધન સમિતિના શ્રી વાસુભાઈ પટેલ, શ્રીમતી કલ્પનાબેન પટેલ તથા શ્રીમતી આરતીબેન બારી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવ શ્રી સુરેશ ચંદ્ર મીણાએ બાળકોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, આ પ્રકારના પ્રવેશોત્સવથી બાળકના મનમાંથી વર્ગખંડનો ડર બહાર નીકળી જાય છે. તેમણે બાળકોના આરોગ્ય ઉપર પણ ધ્યાન રાખવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
સંયુક્ત સચિવ શ્રી સુરેશ ચંદ્ર મીણા તથા ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોની સાથે પંગતમાં બેસી તિથિ ભોજન પણ લીધું હતું અને બાળકો સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
પ્રારંભમાં દમણવાડા અંગ્રેજી માધ્યમ શાળાના ઈન્ચાર્જ આચાર્યા શ્રીમતી પિનલબેન પટેલેસ્વાગત વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન દમણવાડા શાળાના શ્રીમતી ચૈતાલીબેન પટેલ અને ભામટી શાળાના શ્રીમતી મનિષાબેન ટંડેલે સંયુક્ત રીતે ખુબ જ કુશળતાથી કર્યું હતું. આભારવિધિ ભામટી શાળાના ઈન્ચાર્જ આચાર્ય શ્રીમતી પ્રેમિલાબેન ટંડેલે આટોપી હતી.