18 જુલાઈએ યુવા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ભાર્ગવ દવેની રાહબરીમાં આંદોલન કર્યું હતું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: વલસાડ જિલ્લામાં સતત થયેલી અતિવૃષ્ટિ આધિન ને.હા.નં.48 ઉપર જીવલેણ ખાડા પડી ગયા હતા. તેથી લોકોમાં જનઆક્રોશ જોવા મળ્યો હતો. ગત તા.18મી જુલાઈએ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા હાઈવે ચણવઈ બ્રિજ ઉપર ચક્કાજામ કરાયો હતો. આ મામલે કાર્યક્રમ અંગે કોઈ પોલીસ પરમીશન નહી લેવાઈ હોવાથી ગુજરાત યુવા કોંગ્રેસ મહામંત્રી ભાર્ગવ દવે સહિત સાત સામે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
નેશનલ હાઈવે ઉપર વરસાદથી ઠેર ઠેર ખાડા પડી જતા અકસ્માતમાં વાહન પલટવા જેવી ઘટનામાં ચારના મોત નિપજ્યા હતા. જેના પ્રત્યાઘાત આમ જનમાનસમાં પડેલા તેથી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ગત તા.18 જુલાઈના રોજ ચણવઈ અતુલ ને.હા. ઉપર ચક્કાજામ કરાયો હતો. પ્રદેશ યુવા મહામંત્રી અને અતુલ પંચાયત સભ્ય ભાર્ગવ દવેની રાહબરીમાં થયેલ આંદોલનનો વિડીયો રૂરલ પોલીસને મળ્યો હતો. ભાર્ગવ દવેને પો.સ્ટે.માં બોલાવાયા હતા. ચક્કાજામ અંગે જરૂરી પોલીસ પરમીશન લીધેલ નહોતી તેથી ભાર્ગવ દવે, જીનલપટેલ, હર્ષ પટેલ, ઈશાન કાદરી, વિનોદ ગુપ્તા, રવિ રાજેશ અને નિસાર ખાન વિરૂધ્ધ એ.એ.આઈ. હરપાલસિંગએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

