શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિઓ મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: તા.2 માર્ચે શ્રી એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી ઝેડ. એચ. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ, ડુંગરા ખાતે વર્ષ દરમ્યાન વિવિધ પ્રવૃતિઓ, રમત ગમત વિગેરેમાં સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો વાર્ષિક ઈનામ વિતરણ અને ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.
કાર્યકમમાં ડુંગરાનાં ભાજપનાં કર્મઠ કાર્યકર અને ડુંગરામાં શિક્ષણ ક્ષેત્રે નિઃસ્વાર્થ ભાવે સેવારત રહેતા અને હરહંમેશ આગવા દરેક પ્રકારના પ્રદાન થકી વિદ્યાર્થીઓ, શિક્ષકોને સ્કૂલનાં કર્મચારીગણ અને વાલીઓનો હોસલો વધારનાર ટ્રસ્ટી શ્રીદીપકભાઈ એમ. પટેલ, પ્રમુખ શ્રી વિનોદરાય કે. પટેલ, મંત્રી શ્રી સામાજિક અગ્રણી અને વર્ષો સુધી ડુંગરાનાં સરપંચ તરીકે સેવારત રહેલ શ્રી મંજૂર ખાન, આચાર્ય શ્રી અનિલભાઈ પટેલ, વિશેષ અન્ય મહાનુભવો પૂર્વ આચાર્ય ભારતીબેન પટેલ, સુશીલાબેન ખલાસી, પંડ્યા સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્વાગત પ્રવચન આચાર્ય શ્રી અનિલભાઈ પટેલે કર્યું હતું.
ટ્રસ્ટી શ્રી દીપક ભાઈ પટેલે ખૂબજ મનનીય અને વિદ્યાર્થીઓને ઉપિયોગી માહિતી આપેલ તેમજ વાલીઓને વિનંતી કરેલ કે ઘરથી પરીક્ષા ખંડ સુધી તમારા બાળકને નિર્ભયતાથી આત્મ વિશ્વાસ સાથે દોરી જજો જેથી બાળક પરીક્ષા મોકળા મને આપી સફળતા પ્રાપ્ત કરે તેમજ વિદાય લેતા વિદ્યાર્થીઓને જીવનમાં દરેક ક્ષેત્રે આગળ વધો ને પ્રગતિ કરી તમારું તમારા પરિવારનું નામ રોશન કરજો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે મીઠી ટકોર પણ કરેલ કે જે સ્કૂલમાં તમને જીવન ઘડતરનું પ્રશિક્ષણ મળેલ છે તેને ભૂલશો નહીં કારણકે આ તમારા સૌ માટે સ્કૂલ નહી પણ જીવન ઘડતરનું મંદિર છે.
અંતમાં આભારવિધિ સ્કૂલનાં શિક્ષકે આટોપેલ અને રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમ સંપન્ન થયો હતો.