(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : આજે ‘દિવાસા’ પર્વ નિમિતે સેલવાસના બાવીસા ફળીયા બરમદેવ મંદિર તથા દાનહના વિવિધ વિસ્તારોમાં વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે સેલવાસમાં નાળિયેર વડે ટપ્પા દાવની રમત પણ રમવામાં આવી હતી.
આદિવાસી સમાજ માટે ‘દિવાસા’ પર્વ ખુબ જ મહત્વનો તહેવાર ગણાય છે. આષાઢી અમાસના દિવસે આદિવાસીઓ દ્વારા દિવાસા (બિમહા)ના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. અષાઢમાં વરસાદનું આગમન થઈ ગયું હોય છે અને આ સમયે વાવણી પણ લગભગ પૂર્ણ થયેલી હોય છે. એટલે દિવાસો આવતા સુધીમાં ખેતરમાં વાવણી કરેલ ડાંગર, તુવેરના પાકની કુંપળો ખેતરના પડને ચીરીને બહાર આવે છે.
ખેતીવાડીમાં પાકનો ઉતારો સારો આવે એ માટે આદિવાસી સમુદાયના લોકોમાં દિવાસા તહેવારનું વિશેષ મહત્વ હોય છે. દિવાસાની આગલી રાતે ગામમાં ઉજાણી રાખવામાં આવે છે. જેમાં ખેતરમાં જઈને ખત્રીદેવને પૂજવામાં આવે છે અને કુટુંબના પૂર્વજોને યાદ કરવામાં આવે છે. આ દરમિયાન ખેતરમાં ઉગી નિકળેલા પાકની પણ પૂજા કરવામાં આવે છે.
આદિવાસી સમુદાયમાં એક એવી માન્યતા પણ છે કે આ વર્ષ લગ્ન કરીને સાસરેગયેલી દિકરી તેનો પ્રથમ દિવાસો ગામમાં એના માં-બાપના ઘરે જ ઉજવે છે, એટલે સાસરે ગયેલી દિકરી આગલા દિવસે ઘરે આવી જાય છે. દિવાસાના દિવસેથી સૂર્ય વાદળની પાછળ ઢંકાયેલો રહેશે, જેથી નવા પાકની કુંપળો, વેલ, ફળ, ફુલ ઉગશે અને આદિવાસી સમુદાય તેને તોડવો કે નાશ ન કરવાની પ્રતિજ્ઞા લે છે.
આજના દિવાસા પર્વની પૂજા નિમિતે સેલવાસ ન.પા. સભ્ય શ્રી સુમનભાઈ પટેલ, સામાજીક અગ્રણી શ્રી દિલીપભાઈ પટેલ સહિત આદિવાસી સમાજના યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.