(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23: આજે સેલવાસ સચિવાલયના સભાખંડમાં કેન્દ્ર સકારની ‘અગ્નિપથ’ યોજના બાબતે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે દાનહના કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા અને પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્ર પ્રસાદ મીનાની અધ્યક્ષતામાં અને દાનહના નિવાસી નાયબ કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, જિ.પં. સભ્યો અને સેલવાસ ન.પા.પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, તથા નગરપાલિકાના સભ્યો, ચૂંટાયેલા જન પ્રતિધિનિઓ અને અધિકારીઓ સાથે બેઠક બોલાવવામાં આવી હતી.
બેઠકમાં ‘અગ્નિપથ’ યોજના એ ભારતીય સેના, નેવી, એરફોર્સની ત્રણેય પાંખોમાં અનુક્રમે જવાનો,એરમેન અને ખલાસીઓની જગ્યાઓ પર ભરતી માટે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા લાવવામાં આવેલી નવી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી.
દાદરા અને નગર હવેલીના યુવાનો જેમની ઉંમર 17.5 વર્ષથી 23 વર્ષની છે તેઓ અગ્નિપથ યોજનાનો લાભ મેળવવા અરજી કરી શકે છે. જિલ્લા પ્રશાસને આગામી તા.25 અને 29 ઓગસ્ટ, 2022ના રોજ દાદરા અને નગર હવેલીની દરેક પંચાયતોમાં અને 26 અને 28 ઓગસ્ટના રોજ દરેક વોર્ડમાં આ યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે.