નાણામંત્રી અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથે તલાટી મંડળની યોજાયેલ મીટિંગમાં લેવાયેલ નિર્ણય
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23
વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ગત તા.04 ઓગસ્ટથી તલાટી કમ મંત્રીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. આ હડતાલનો ગતરોજ સુખદ ઉકેલ આવ્યો છે. તલાટી મંડળના આગેવાનો અને પંચાયત મંત્રી, નાણામંત્રીની ગાંધીનગરમાં યોજાયેલી મીટિંગમાં તલાટીઓની પાંચ પૈકી ત્રણ માંગણીઓ સરકારે સ્વિકારતા તલાટીઓની હડતાલ સમેટાઈ છે.
ગુજરાત રાજ્યમાં તા.04 ઓગસ્ટથી સમસ્ત તલાટી મંડળ એસોસિએશને કરેલી જાહેરાત બાદ તલાટી કમ મંત્રીઓ હડતાલ પર ઉતરી ગયા હતા. જેને લઈ લોકોનાઅગત્યના કામકાજો ખોરવાઈ ગયા હતા. જન્મ-મરણ, આવક કે જાતિ વિષયક દાખલા માટેના કામ રઝળી પડયા હતા તો બીજી તરફ ધરમપુર, વલસાડ તાલુકાના સરપંચોએ પણ તલાટી હડતાલ વિરૂધ્ધ અવાજ ઉઠાવી આવેદનપત્રો પાઠવાઈ રહ્યા હતા. મામલો પેચીદો બની રહ્યો હતો. રવિવારે જિલ્લાના તલાટી મંડળના પ્રતિનિધિઓની વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે મીટિંગ યોજાઈ હતી. મીટિંગ બાદ સોમવારે ગાંધીનગરમાં નાણામંત્રી, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને તલાટી મંડળના આગેવાની મીટિંગ મળી હતી. જેમાં સરકારે તલાટીઓની કુલ પાંચ માંગણી પૈકીની ત્રણ માંગણી સ્વિકાર કરી હતી તેથી તલાટીઓએ હડતાલ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઘનિષ્ઠ દરમિયાન લેખે લાગી અને તલાટીઓની છેલ્લા 20 દિવસથી ચાલતી હડતાલનો અંત આવ્યો છે.
—-