અરબી સમુદ્રની લહેરો અને સૂર્યોદયના પાવન કિરણો સાથે યોગા અભ્યાસ માટે લાગેલી લાંબી કતારનો નજારો પણ નયનરમ્ય રહ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.21
આજેસંઘપ્રદેશમાં ઠેર ઠેર સૂર્યોદયની સાથે યોગ દિવસની ઉજવણી ખુબ જ ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવી હતી. મોટી દમણના જમ્પોર ખાતે રામસેતૂ બીચ રોડની અરબી સમુદ્રની સાઈટે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
અરબી સમુદ્રની લહેરો અને સૂર્યોદયના પાવન કિરણોની સાક્ષીએ મોટી દમણના જમ્પોર રામસેતૂ બીચ રોડ ખાતે આયોજીત યોગ અભ્યાસમાં મોટી સંખ્યામાં સાધકો જોડાયા હતા. યોગ સાધના દ્વારા પોતાના તન મનને પ્રફુલ્લિત કરવા સાથે હકારાત્મકતાથી દિવસની શરૂઆત કરાઈ હતી.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ, નાગરિકો, પ્રશાસનિક અધિકારીઓ તથા શાળાના બાળકોએ ભાગ લીધો હતો. યોગ પ્રશિક્ષકે દરેક યૌગિક ક્રિયાઓ કરાવી હતી, જેમાં પ્રાણાયામ, અનુલોમ-વિલોમ, વિવિધ આસનોનો સમાવેશ થતો હતો. દમણમાં દરેક શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય કેન્દ્રો વગેરેમાં પણ 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં યોગ અભ્યાસના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.