-
વિદ્યાર્થીની ઉપર કરેલા દુષ્કર્મ બાદ મોટા પ્રમાણમાં શરૂ થયેલ રક્તસ્ત્રાવ બંધ નહીં થતાં સેલવાસની વિનોબા ભાવે અને સુરતની હોસ્પિટલમાં પણ કાબુમાં નહીં આવતાં મુંબઈ રિફર કરાતા મુંબઈ પોલીસે નોંધેલી ફરિયાદ બાદ સેલવાસ પોલીસે બતાવેલી સક્રિયતા
-
દાનહના ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખે શાળાને બંધ કરવા જારી કરેલો આદેશઃ દુષ્કર્મની ઘટનાના પ્રદેશમાં પડેલા ઘેરા પ્રત્યાઘાતઃ ઠેર ઠેર ફિટકાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ નજીક આવેલ સામરવરણી ખાતે એક ખાનગી શાળાના સંચાલક અને શિક્ષકે મળી 14 વર્ષની સગીર કન્યા સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતાં આ શૈક્ષણિક ધામ સામે લોકોમાં ફિટકાર વરસી રહ્યો છે. આ દુષ્કર્મ કાંડમાં સંકળાયેલા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમને 3 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં પણ મોકલવામાં આવ્યા છે. આરોપીઓ સામે આઈપીસીની 376(2)(એફ)(એન), 376-ડી, 377, 506(2) અને પોક્સો એક્ટ અંતર્ગત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યોછે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના સામરવરણી ખાતે આવેલ અંગ્રેજી માધ્યમની સ્કૂલ અવર લેડી ઓફ હેલ્પ ઈંગ્લીશ સ્કૂલના સંચાલક માઈકલ ક્લાઉડિયો નુન્સ (ઉ.વ.50) અને શિક્ષક લેસ્ટર જોયકીન ડીકોસ્ટા(ઉ.વ.23)એ પીડિત સગીર વિદ્યાર્થીની ઉપર કરેલા દુષ્કર્મ બાદ મોટાપ્રમાણમાં રક્તષાાવ થતાં પહેલાં સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ તેની હાલત ગંભીર થતાં તેને સુરત રિફર કરાઈ હતી. સુરતમાં પણ પીડિત વિદ્યાર્થીનીની હાલતમાં કોઈ સુધારો નહીં થતાં તેને મુંબઈ મોકલવામાં આવી હતી. મુંબઈની પોલીસે ઝીરો અવરમાં એફ.આઈ.આર. નોંધી સેલવાસ પોલીસને આ સમગ્ર ઘટનાની જાણકારી આપતાં સેલવાસ પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવી આરોપીઓની ધરપકડનો દૌર શરૂ કર્યો હતો. તે પહેલાં 29 ઓગસ્ટે સેલવાસ જિલ્લા ન્યાયાલયમાં પીડિત વિદ્યાર્થીનીનું સ્ટેટમેન્ટ પણ નોંધવામાં આવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે પોલીસે સ્કૂલના કોમ્પ્યુટર, લેપટોપ તથા આરોપીઓના મોબાઈલ ફોન વગેરે જપ્ત કરી પોતાના કબ્જામાં લઈ લીધા છે.
સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્કર્મની માહિતી સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સુધી પહોંચતા તેમણે આ ઘટનાને ખુબ જ ગંભીરતાથી લઈ સેલવાસનાડેપ્યુટી કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા. જે અંતર્ગત ડેપ્યુટી કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખે શાંતિ ભંગ નહીં થાય તે હેતુથી સ્કૂલને બંધ રાખવાનો નિર્દેશ બીજો આદેશ નહીં થાય ત્યાં સુધી જારી કર્યો છે.
આ ઘટનાના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આ શાળા સામે ભારે આક્રોશ ફેલાયો છે અને આ પ્રકારની ચેષ્ટા કરનાર શાળાના સંચાલક અને શિક્ષકને સમયમર્યાદામાં ફાસ્ટ ટ્રેક કેસ ચલાવી કડકમાં કડક સજા થવી જોઈએ એવી માંગ બુલંદ બની છે.