March 29, 2024
Vartman Pravah
તંત્રી લેખ

…અને ભાજપને નટુભાઈ પટેલના સ્‍વરૂપમાં એક પૈસા ખર્ચી શકે એવા નેતાની ભેટ મળી

તત્‍કાલિન પ્રશાસક સત્‍ય ગોપાલ દમણ-દીવના સાંસદ ડાહ્યાભાઈ પટેલ અને દાનહના તત્‍કાલિન સાંસદ મોહનભાઈ ડેલકર જોડે આત્‍મિય સંબંધ કેળવી બંનેને સાંઈ ભક્‍તિમાં પરોવી લીધા હતા પણ દમણ-દીવ સાંસદ પુત્ર કેતનભાઈ પટેલ જોડે સત્‍ય ગોપાલના રિસામણા-મનામણાં ચાલુ રહેતા

(ભાગ-12) 

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 2004થી 2009નો સમયગાળો રાજકીય દૃષ્‍ટિએ ખુબ જ નિર્ણાયક અને ઉથલપાથલ વાળો રહ્યો હતો. આસમયગાળામાં જ પ્રશાસનિક સ્‍તરે પણ પાર્ટી કલ્‍ચરની જગ્‍યા સાંઈ ભક્‍તિએ લીધી હતી. સાંઈ ભક્‍ત એવા પ્રશાસક પદે આઈ.એ.એસ. અધિકારી શ્રી સત્‍યગોપાલનું આગમન 29 જાન્‍યુઆરી, 2008ના રોજ થયું હતું. તેમના આગમન બાદ પ્રશાસકશ્રીના સચિવાલયના સમયમાં પણ ફેરબદલ થયો હતો. શ્રી સત્‍ય ગોપાલ મોટાભાગે ઓફિસમાં સાંજે આવ્‍યા બાદ મોડી રાત્રિ સુધી બેસી રહેતા હતા. તેના કારણે અધિકારીઓની પણ અડધી રાત્રિ કાર્યાલયમાં જ જતી હતી.
પ્રશાસક તરીકે શ્રી સત્‍ય ગોપાલે પ્રદેશમાં કોઈ મોટું આંદોલન નહીં થાય તેની કાળજી લીધી હતી. તેમણે દાદરા નગર હવેલીમાં તત્‍કાલિન સાંસદ શ્રી મોહનભાઈ ડેલકર અને દમણ-દીવના તત્‍કાલિન સાંસદ શ્રી ડાહ્યાભાઈ પટેલ જોડે ખુબ જ આત્‍મિય સંબંધ કેળવી લીધા હતા. દમણ-દીવના તત્‍કાલિન સાંસદ શ્રી ડાહ્યાભાઈ પટેલના સુપુત્ર અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ જોડે પ્રશાસક તરીકે શ્રી સત્‍ય ગોપાલના સંબંધોમાં તડકી છાંયડી થતી રહેતી હતી. પરંતુ થોડા દિવસો બાદ ઘીના ઠામમાં ઘી પડી રહેતું હતું.
દાદરા નગર હવેલીમાં તત્‍કાલિન સાંસદ શ્રી મોહનભાઈ ડેલકરનો પડેલો બોલ ઝિલવા માટે હંમેશા પ્રશાસક શ્રી સત્‍ય ગોપાલ તત્‍પર રહેતા હતા. તત્‍કાલિન ડી.આઈ.જી. શ્રી તેજીન્‍દર સિંઘ લુથરા અને પ્રશાસક તરીકે શ્રી સત્‍ય ગોપાલના સંબંધોમાં કોઈઅજ્ઞાત કારણોથી કડવાશ આવી હતી. તેથી બંને વચ્‍ચે શીતયુદ્ધ પણ પરાકાષ્‍ઠાએ પહોંચ્‍યું હતું.
આ સમયગાળા દરમિયાન જ એસ.એસ.આર. કોલેજનું નિર્માણ પણ ખુબ જ મોટાપાયે તત્‍કાલિન સાંસદ મોહનભાઈ ડેલકરે કરાવ્‍યું હતું. તત્‍કાલિન સાંસદ મોહનભાઈ ડેલકર અને તેમના લઘુબંધુ નરેશભાઈ ડેલકર વચ્‍ચે અનબનની શરૂઆત પણ આ સમયગાળામાં જ થઈ હતી. સેલવાસ નગરપાલિકામાં શ્રી નરેશભાઈ ડેલકરને પ્રમુખ બનતા રોકવા સાંસદ જૂથે કરેલી મથામણના કારણે વેરના બીજ રોપાયા હતા.
હવે 2009ની લોકસભા ચૂંટણીના પડઘમ પણ જાન્‍યુઆરીથી સંભળાવા લાગ્‍યા હતા. દાદરા નગર હવેલીમાં મોહનભાઈ ડેલકર એક બેતાજ બાદશાહ હોવાથી તેઓ હારી શકે એવી કોઈને કલ્‍પના પણ નહીં હતી. કારણ કે, તેમની સામે એક ઉલ્‍ટન ફળિયાના કાઉન્‍સિલર શ્રી નટુભાઈ પટેલે દાવેદારી ઠોકી હતી. નટુભાઈ પટેલ એટલે શ્રી મોહનભાઈ ડેલકરનો એક શ્રમજીવી હોય એવી છાપ હતી.
શ્રી નટુભાઈ પટેલે વોચમેનગીરી, ટેલરિંગથી માંડી પરસેવો પાડી અનેક કામો કર્યા બાદ તેમણે પોતાનું નશીબ જમીનની દલાલી અને બિલ્‍ડરના વ્‍યવસાયમાં ચમકાવ્‍યું હતું. ખુબ જ ટૂંકા સમયમાં નટુભાઈ પટેલની ગણના એક મોટા બિલ્‍ડર તરીકે થવા લાગી હતી. તેથી શ્રી નટુભાઈ પટેલ ઉપર પોતાના જ નેતા એવા શ્રી મોહનભાઈ ડેલકરની પણવક્રદૃષ્‍ટિ પડવાની શરૂઆત થઈ હતી. શ્રી મોહનભાઈ ડેલકરે કાઉન્‍સિલર એવા શ્રી નટુભાઈ પટેલ પાસે લગભગ બે કરોડ રૂપિયાની માંગણી કરી નાંખી હતી. શ્રી નટુભાઈ પટેલ આ માંગણીથી એકદમ ધ્રુજી ગયા તેથી તેમણે બે-પાંચ લાખ રૂપિયા આપવાની તૈયારી બતાવી હતી. છેવટે 50 લાખ રૂપિયા આપવા પણ તૈયાર થયા હતા. પરંતુ મોહનભાઈ ડેલકરે એક પણ રૂપિયો ઓછો નહીં જોઈએ એવું વલણ રાખતા છેવટે દાદરા નગર હવેલી ભાજપને શ્રી નટુભાઈ પટેલના સ્‍વરૂપમાં એક પૈસા ખર્ચી શકે એવા નેતાની ભેટ મળી. (ક્રમશઃ)

Related posts

દાનહ અને દમણ-દીવ માટે કેન્‍દ્ર સરકાર જ ભાગ્‍યવિધાતા અને એટલે જ ભાજપ હોટફેવરિટ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સંઘપ્રદેશમાં રૂા.4850 કરોડથી વધારેના મૂલ્‍યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્‍યાસ અને લોકાર્પણ કર્યું

vartmanpravah

દાનહ અને દમણ-દીવનું વિલીનીકરણ થવાથી વધુને વધુ વિકસીત બનવાની સાથે શિક્ષિત અને સુસંસ્‍કૃત પણ થઈ રહ્યુ છે

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના 19મા વર્ષમાં મંગળ પ્રવેશ ટાણે…

vartmanpravah

…અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના સામર્થ્‍ય અને દૂરંદેશીથી પ્રદેશની કાયાપલટનો આરંભ કર્યો

vartmanpravah

કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતિય સતામણી અધિનિયમ અંતર્ગત લો કોલેજ વલસાડ ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment