(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: દાદરા નગર હવેલીના અથોલા ગામના ખેડૂત પરિવારને બિલ્ડર દ્વારા બદઈરાદાપૂર્વક રૂપિયા 1,26,84,000ની છેતરપીંડી કરી પડાવી લેતાં એસ.પી.શ્રીને લેખિત ફરિયાદ કરી એટ્રોસીટી એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડના આધારે કાર્યવાહી કરવા માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબશ્રી અર્જુન છોટુભાઈ પટેલ રહેવાસી અથોલા જેઓની ખેતીવાળી જમીન સર્વે નંબર 222પી પૈકીવાળી જમીન 0.52 હેક્ટર છે. જે વારસાગત મળેલ જેમાં ખેતી કરી ગુજરાન ચલાવતા હતા, વર્ષ 2015માં અમારા ઘરે અજીત રમેશ પાટીલ અને બાબુ એમપી આવેલ અને જણાવેલ કે તમારી જે જમીન છે એ વેચી નાખો અમે તમારી પાસેથી વેચાતી લેવા માંગીએ છીએ. અમે તેઓને ના પાડી હતી, બાદમાં ફરી તેઓએ તમારી જે જગ્યા છે એની જગ્યાએ બીજી વધારે જગ્યા આપીશું એમ જણાવ્યું હતું અને એની સાથે એક કરોડ છવ્વીસ લાખ ચોરીયાસી હજાર રૂપિયા પુરા આપીશું અને અજીત અને બાબુએ અમને લાલચ આપી લાગણીશીલ કરી જમીન વેચાણ માટે અમને રાજી કરેલ, ત્યારબાદ તેમની સાથે જમીન વેચાણ કરાર કરેલ અને અજીત પાટીલ અને બાબુ એમપીએ જે કાગળો પર સહી અને અંગુઠાનું નિશાન આપવા કહેલ તે કાગળો પર અમે સહી અને અંગુઠાનું નિશાન કરી આપેલ અને કાગળોનું લખાણ અમને વાંચી સંભળાવવામાં આવેલ નથી. અજીત અને બાબુએ જણાવેલ કે તામિલનાડુ મર્કન્ટાઈન બેન્કમાં ખાતુ ખોલાવવું પડશે. ત્યારબાદ અમને વર્ષ 2020માં બેંકમાં ખાતુ ખોલાવેલ બાદમાં અમને ચેકબુક અને પાસબુક મળેલ જે અજીત પાટીલ અને બાબુએ અમારી પાસેથી ચેકબુક અને પાસબુક લઈ લીધી હતી અને ચેકો પર અમારી સહીકરાવી લીધી હતી જે આજદિન સુધી પરત આપવામાં આવેલ નથી અને અમારા બેંક ખાતામાં તા. 26 ફેબ્રુઆરી, 2020ના દિનથી ઓગસ્ટ મહિના સુધીમાં અલગ અલગ રકમનો ઉપાડ કરી કુલ એક કરોડ પચ્ચીસ લાખ રૂપિયા અજીત પાટીલ અને બાબુ એમપી મારફત કરવામાં આવેલ જે અંગે અમને કોઈપણ જાણકારી આપવામાં આવેલ નથી. અમારા બીજા એક એકાઉન્ટ સવિતાબેન છોટુભાઈ પટેલના ખાતામાંથી પણ છેતરપીંડી કરી પૈસા ઉપાડી લેવામાં આવેલ છે. આ રીતે અજીત પાટીલ અને બાબુ એમપીએ બેંક સાથે મળી અમારી સાથે છેતરપીંડી કરવામાં આવી છે, જેથી આ બન્ને વ્યક્તિ વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ અને ઈન્ડીયન પીનલ કોડના આધારે કાર્યવાહી કરવા માંગ કરીએ છીએ.