વલસાડ જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે પારડી, કપરાડા, ધરમપુર અને ઉમરગામમાં કાર્યકોરની મીટિંગ યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: આગામી તા.06 નવેમ્બરનેરવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નાનાપોંઢામાં જાહેરસભા યોજાનાર છે તેથી કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે બુધવારે જિલ્લાના ધરમપુર, કપરાડા, પારડી અને ઉમરગામમાં સમાંતર ભાજપ કાર્યકરો અને હોદ્દેદારોની મીટિંગ યોજાઈ હતી.
ધરમપુરમાં શ્રીમંત મહારાણા પ્રતાપ હોલમાં આજે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની અધ્યક્ષતામાં કાર્યકરોની બેઠક યોજાઈ હતી. તા.06 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નાનાપોંઢામાં યોજાનારી જાહેર સભાની વિગતો આપતા જણાવ્યું હતું કે, ધરમપુરની સાથે આજે કપરાડામાં મંત્રી જીતુભાઈ ચૌધરી, પારડીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ઉમરગામમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રમણલાલ પાટકર કાર્યકરો સાથે સમાંતર બેઠકો યોજી રહ્યા છે. વલસાડમાં આજે રાતે કે આવતીકાલ ગુરૂવારે બેઠક યોજાશે. શ્રી કંસારાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની જાહેર સભામાં 50 હજાર ઉપરાંત લોકો પધારશે અને તેમને લાવવા-લઈ જવાની સુવિધાનું આયોજન શરૂ કરી દેવાયું છે. ધરમપુરની બેઠકમાં પ્રભારી શિતલબેન સોની, મહામંત્રી મહેન્દ્રભાઈ, ન.પા. પ્રમુખ જોસ્નાબેન, તા.પં. પ્રમુખ રમીલાબેન સહિત વિશાળ સંખ્યામાં કાર્યકરો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.