વર્તમાન મોદી સરકારની યોજનામાં પંડિત દીન દયાળના સ્વપ્નોની આપૂર્તિ થઈ રહી છે અને ગરીબ કલ્યાણને આપવામાં આવી રહેલી અગ્રતાઃ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક પંડિત દીન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રદેશ કાર્યાલય ઉપરાંત વિવિધ મંડળોમાં ઉજવવામાં આવી હતી.
અંત્યોદય અને એકાત્મક માનવતાવાદના પ્રણેતા પ્રખર રાષ્ટ્રવાદી મહાન વિચારક અને પથ પ્રદર્શક પંડિત દીન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમા ઉપર પુષ્પમાળા ઉપરાંત તેમના વિચારોને આત્મસાત્ કરવા હાકલ કરવામાં આવી હતી.
પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ આયોજીત કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ ઉપરાંત પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ અને પૂર્વ સાંસદ શ્રી ગોપાળભાઈ કે. ટંડેલ(દાદા), દમણ ન.પા.ના અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા, દમણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ, જિ.પં. ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, પૂર્વ અધ્યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી જીજ્ઞેશ પટેલ, શ્રીમતીફાલ્ગુનીબેન પટેલ, ભાજપના વરિષ્ઠ નેતા શ્રી બી.એમ.માછી અને શ્રી બાલુભાઈ પટેલ, મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી દીપાલીબેન શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પંડિત દીન દયાળ ઉપાધ્યાયને શ્રદ્ધા સુમન અર્પિત કરતાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, તેઓનું તપસ્વી જીવન અને અંત્યોદયનો સંકલ્પ હંમેશા ભારતીય સમાજમાં સમાવેશી ઉત્કર્ષ માટે આપણી પ્રેરણા બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે, પંડિત દીન દયાળ ઉપાધ્યાયને ભારતમાં ગરીબ, દલિતોનો અવાજ પણ કહેવામાં આવતો હતો. તેમનું સ્વપ્ન હતું કે, દેશની દરેક જન કલ્યાણકારી યોજનાનું લક્ષ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાનું રહેવું જોઈએ. સમાજના છેલ્લી હરોળ પર બેસેલા લોકો માટે યોજનાઓ બનવી જોઈએ.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન મોદી સરકારની યોજનામાં પંડિત દીન દયાળના સ્વપ્નોની આપૂર્તિ થઈ રહી છે અને ગરીબ કલ્યાણને અગ્રતા આપવામાં આવી રહી છે.