વાંસદાના કોંગ્રેસના કદાવર ધારાસભ્ય અનંત પટેલ સામે ચૂંટણી મેદાનમાં ઉતરવાની પિયુષ પટેલે તૈયારી બતાવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ વિવિધ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટેની હોડ પણ આરંભાઈ ચૂકી છે. દરેક પક્ષમાં સાત આઠથી લઈ 27 ટિકિટ વાંચ્છુઓએ ટિકિટની દાવેદારી નોંધાવી દીધી છે. જો કે આપ અને કોંગ્રેસ દ્વારા અમુક બેઠકો માટે ઉમેદવારો ડીક્લેર પણ કરી દેવાયા છે. જ્યારે એક માત્ર ભાજપ એ જિલ્લાની પાંચ બેઠકો પૈકી એક પણ બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત નથી કરી. આ અંગે આવતીકાલ ગુરૂવારે સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર થવાની પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે. ચૂંટણીના વર્તમાન શતરંજમાં વાંસદાની બેઠક માટે નાયબ મામલતદારની સરકાીર ફરજ બજાવી રહેલા પિયુષ પટેલએ ભાજપ માટે ઉમેદવારી માટે દાવેદારી જાહેર કરી છે. જેને લઈ આ બેઠક ઉપર રાજકારણ ગરમાવા લાગ્યું છે.
177 વાંસદાની બેઠક ઉપર 2017 માં વર્તમાન ધારાસભ્ય અનંત પટેલ ચૂંટાયેલા છે. બહુલ આદિવાસી વિસ્તાર હોવાથી તેઓ વિજેતા બન્યા હતા.2022માં પણ ચૂંટણી લડવાના છે. તેમની સામે વાંસદામાં નાયબ મામલતદાર તરીકે સરકારી ફરજ બજાવી રહેલા પિયુષ પટેલએ ભાજપ માટે દાવેદારી નોંધાવી દીધી છે. જેને લઈ રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. જો કે આ બાબતે ભાજપ તરફથી કોઈપણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. બીજી તરફ વાંસદા ભાજપ વર્તુળોમાં પિયુષ પટેલની દાવેદારી સામે વિરોધનો વંટોળ પણ શરૂ થઈ ચૂક્યો છે. 100 જેટલા ભાજપના કાર્યકરોએ રાજીનામાની ચિમકી પણ ઉચ્ચારી દીધી છે.