એક મહિના બાદ પારડી પોલીસ મથકે નોંધાઈ મોપેડ ચોરીની ફરિયાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.09: પારડી ચાર રસ્તા નજીક જ્યોતિ ઓટો મોબાઈલ્સ નામક પેટ્રોલ પંપ ચલાવી પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવતા અને પારડી શહેરમાં અરિહંત ટાઉનશીપમાં બિલ્ડીંગ સીમાં ફેલ્ટ નંબર 101 માં રહેતા શશીકમલ રમેશચંદ્ર શર્મા રાબેતા મુજબ ગત તા.7 ઓક્ટોબરના રોજ પોતાની એક્સેસ મોપેડ નંબર જીજે 15 ડીપી 4345 લઈને પેટ્રોલ પંપ પર ગયા હતા અને સાંજે સાડા સાતેક વાગ્યે પરત ઘરે આવી તેમની બિલ્ડીંગના પાર્કિંગમાં મોપેડ પાર્ક કરી ઘરે જમી પરવારી સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે ઉઠી પરત પેટ્રોલ પંપ પર જવા માટે પાર્કિંગમાં જતાં પાર્ક કરેલી તેમની એક્સેસ મોપેડ ગાયબ જણાઈ હતી. જેથી તેમણે આજુબાજુ વિસ્તારમાં મોપેડની શોધખોળ હાથ ધરી હતી. મોપેડની ભારે શોધખોળ કર્યા બાદ પણ મળી ન આવતા પારડી પોલીસ મથકે તા.9 નવેમ્બરના રોજ કોઈ અજાણ્યો ચોર ઈસમ ડુપ્લીકેટચાવી અથવા કોઈ સાધન વડે લોક તોડી રૂા.30000 ના મત્તાની મોપેડની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.