2 હજારની નકલી નોટના 400 બંડલ પોલીસે જપ્ત કર્યા : પાલઘર ટેક ઈન્ડસ્ટ્રીયલના ગાળામાં નકલી નોટ બનાવવાની સામગ્રી મળી આવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લાની સરહદ અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘરમાં બનાવટી નોટો બનાવવાના નેટવર્કનો મહારાષ્ટ્ર પોલીસે પર્દાફાસ કરી રૂપિયા 8 કરોડની બે હજારની નકલી નોટનો જથ્થો મુદ્દામાલમાં જપ્ત કર્યો છે.
બનાવટી ચલણી નોટના નેટવર્ક અંગે થાણા પોલીસને મળેલી બાતમી અનુસાર ઘોડબંદર ખાતે વોચ ગોઠવી હતી તે દરમિયાન ઈનોવા કારમાં આવેલ બે વ્યક્તિને અટકાવી તપાસ કરાઈ હતી. જેમાં કારમાં ડુપ્લીકેટ નોટોનો વિશાળ જથ્થો પોલીસને મળી આવ્યો હતો ત્યાર બાદ પોલીસે તપાસનો દોર લંબાવાતા પગેરુ પાલઘર સુધીપહોંચ્યુ હતું. આ બનાવટી નોટો પાલઘરમાં આવેલા ટેક ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ગાળામાં છાપવામાં આવતી હતી. જ્યાં પોલીસે કાર્યવાહીમાં નોટ છાપવાના કાગળ, પ્રિન્ટર, ઈન્ક વગેરેનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સમગ્ર મામલામાં ઉચ્ચ પોલીસ તપાસનો ધમધમાટી શરૂ થઈ ગયો છે. અહીં અત્યાર સુધીમાં કેટલી નોટ છપાઈ, તે નોટો ક્યાં ક્યાં મોકલવામાં આવી છે તે દિશામાં પોલીસે ચાંપતી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે તે આચાર સંહિતા અનુસાર પોલીસ સરહદ એલર્ટ બની ગઈ છે. નકલી નોટો છાપનારાઓની મનસા ગુજરાતની ચૂંટણીમાં નકલી નોટો ઘૂસાડવાની હતી તેમજ તેને ખરીદનારાઓ પણ હોવાના જ તેવુ સુત્રો માની રહ્યા છે તેથી તપાસના આગળના દોરમાં હજુ વધુ નેટવર્ક બહાર આવવાની સંભાવનાઓ જણાઈ રહી છે.