2021ની પેટા ચૂંટણીમાં સાંસદ કલાબેન ડેલકરે આપેલા વાયદાઓ પૈકી એક પણ વાયદો પૂર્ણ નહીં કરતા લોકો મોહભંગ
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ 400 બેઠકો પાર કરી ફરી મોદી સરકારનું ગઠન નિશ્ચિત હોવાના સર્વત્ર અહેવાલો
ગઈકાલ સુધી ભારતીય જનતા પાર્ટી માટે અસુરક્ષિત ગણાતી દાદરા નગર હવેલી બેઠક હવે જીતી શકવાની કગાર ઉપર આવી ગઈ હોવાનું તટસ્થ રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. કારણ કે, 2019ની લોકસભા ચૂંટણી અને ત્યારબાદ 2021માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો કરૂણ રકાસ થયો હતો. 2021માં યોજાયેલી પેટા ચૂંટણી દરમિયાન સહાનુભૂતિનું મોજું હતું. પરંતુ હવે ધીરે ધીરે તે ગાયબ થઈ રહ્યું છે અને પેટા ચૂંટણીમાંઆપેલા વાયદાઓ પૈકી એક પણ વાયદો પૂર્ણ કરવા હાલના સાંસદ અને શિવસેના (ઉદ્ધવ જૂથ) સરેઆમ નિષ્ફળ રહ્યું છે.
બીજી બાજુ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને મોદી સરકાર 400 બેઠકના લક્ષ્યાંક સાથે ફરી સરકાર બનાવી રહ્યા હોવાનો દરેક જગ્યાએ દૃઢ મત છે. દાદરા નગર હવેલીમાં સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરની તથાકથિત ઉદાસિનતા વચ્ચે પણ સંઘપ્રદેશ પ્રશાસને અનેક મહત્વપૂર્ણ કરેલા વિકાસના કામોથી લોકોનું જીવન-ધોરણ બદલાયું છે.
દાદરા નગર હવેલીના આદિવાસી યુવાનોમાં ઉઘડેલી શિક્ષણની ભૂખથી તેઓ પોતાનું હિત સમજતા થયા છે. કોઈની દયા ઉપર જીવવા કરતા સ્વનિર્ભર બની સ્વાભિમાન સાથે જીવવાનો મંત્ર પણ આદિવાસી યુવાનોને મળ્યો છે.
દાદરા નગર હવેલીમાં સ્થપાયેલા ઉદ્યોગોનો લાભ બહુમતિ આદિવાસી સમુદાયને મળી શક્યો નથી. 1992-’93 સુધી ટ્રેનમાં દિલ્હીની મુસાફરી કરવાનું પરવડતું નહીં હતું તેવા આદિવાસી નેતાઓ ઉદ્યોગગૃહો પાસે ખંડણી-હપ્તા ઉઘરાવી 10 વર્ષમાં પોતાનું વિમાન ખરીદી શકે એટલા કદાવર બની ગયા હતા. પરંતુ છેવાડેના આદિવાસીની સ્થિતિ જેમની તેમ રહેવા પામી હતી.
આદિવાસીના વિકાસ માટે જરૂરી શિક્ષણનો પ્રચાર-પ્રસાર નહીં થાય તેની તકેદારી જે તે સમયના કેટલાક ચોક્કસ આદિવાસી નેતાઓએ લીધી હતી. જેનાકારણે જ 2011-’12 સુધી દાદરા નગર હવેલીમાં ફક્ત ગ્રેજ્યુએટ બનાવતી સરકારી કોલેજ પણ શરૂ થઈ શકી નહીં હતી.
આજે સંઘપ્રદેશ પ્રશાસને કરેલા પ્રયાસના કારણે દાદરા નગર હવેલીના હજારો યુવાન-યુવતિઓનું ભાગ્ય બદલાયું છે. ડોક્ટર, નર્સ, એન્જિનિયર, વકિલ, પેરા મેડિકલ સેવા જેવા વ્યવસાયમાં જવાની તક છેવાડેના આદિવાસીને મળી છે અને તેઓ પોતાના પહેલી પેઢીના ડોક્ટર, એન્જિનિયર, વકિલ કે નર્સ બની રહ્યા છે. જેના પરિણામે ગામ, ફળિયા(પાડા), મહોલ્લા તથા જિલ્લા અને પ્રદેશનું વાતાવરણ પણ બદલાઈ રહ્યું છે. જેનો શ્રેય મોદી સરકારને મળશે એવું નિશ્ચિત દેખાઈ છે. જેના કારણે એવું લાગે છે કે 2024ની ચૂંટણીમાં દાદરા નગર હવેલી બેઠક ભાજપની ઝોળીમાં જઈ શકે છે.