(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.26: રેફરલ હોસ્પિટલ પાસે અન્ય ધર્મનું ધાર્મિક દબાણ પણ સાથે સાથ તંત્ર દ્વારા દૂર કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી હતી. જોકે તંત્રની તૈયારી જોતા રાત્રી દરમ્યાન આ દબાણ પણ દૂર કરી નાંખવામાં આવે તો નવાઈ નહિ.
ચીખલીમાં ચીખલી-વાંસદા રાજ્યધોરી માર્ગ ઉપર રેફરલ હોસ્પિટલ પાસે ઘણા વર્ષથી મુસ્લિમ ધર્મનું ધાર્મિક દબાણ અને ત્યાંથી થોડી આગળ થાલા બગલાદેવ સર્કલ સ્થિત બગલાદેવ ભગવાનનું મંદિરનું દબાણ દૂર કરવા છેલ્લા ઘણા વર્ષથી પ્રાંત, મામલતદાર અને માર્ગ મકાનના અધિકારીઓ દ્વારા હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા.
આ દરમ્યાન ગુરુવારના રોજ થાલા સ્થિત બગલાદેવ ભગવાનના મંદિરનો શેડ હિન્દૂ સમાજના આગેવાનો દ્વારા સ્વેચ્છાએ ઉતારી લઇ દબાણ દૂર કરવાની પહેલ કરી હતી. આ દરમ્યાન લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. જોકે હિન્દૂ સમાજના લોકોમાં મંદિરસાથે રેફરલ હોસ્પિટલ પાસેનું મુસ્લિમ ધર્મનું ધાર્મિક દબાણ પણ તંત્ર દ્વારા દૂર કરી નાંખવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી હતી. બગલાદેવજીના મંદિરે ભુદેવોના મંત્રોચ્ચાર અને વિધિવિધાન સાથે મૂર્તિઓ ખસેડવાની પણ તજવીજ હાથ ધરાઈ હતી.
બીજી તરફ તંત્ર દ્વારા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે રાત્રી દરમ્યાન મુસ્લિમ સમાજનું ધાર્મિક દબાણ પણ દૂર કરી નાંખવાની તૈયારીમાં હોવાનું જાણવા મળતા સવાર થાય તે પૂર્વે આ દબાણ પણ દૂર થઈ જાય અને રાતોરાત રસ્તા પર ડામર પાથરી રિકાપેટિંગ પણ કરી દેવાની શકયતા જોવાઈ રહી છે.
Previous post