વલસાડ જિલ્લાની 16 જેટલી ટીમોએ લીધો ભાગ: પારડીના યુવાન વકીલ પ્રણવ દેસાઈ દ્વારા કરાયું સુંદર આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.11: વલસાડ જિલ્લામાં સમાવિષ્ટ પારડી, વલસાડ, ધરમપુર, વાપી જેવા બાર એસોસિયેસન એટલે કે જિલ્લાના તમામ વકીલોમાં સંગઠન અને એકતા જળવાઈ રહે એવા ઉમદા હેતુસર દર વરસે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે પારડી બાર એસોસિયેશન દ્વારા સ્વ. વિનોદ ચંદ્ર કેશવભાઈ રાણાના સ્મારથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લાની બાર એસોસિયેશનની પારડી, વલસાડ, વાપી, ધરમપુર સહિત 16 જેટલી ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. પારડી તાલુકાના ડુંગરી ગ્રામ પંચાયત ગ્રાઉન્ડ ખાતે રમાડવામાં આવેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સંપૂર્ણ આયોજન પારડીના યુવાન વકીલ અને ડુંગળીના ખેડૂત એવા પ્રણવ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
સવારે વલસાડ જિલ્લા 12 એસોસિએશનના પ્રમુખ પી.ડી. પટેલ તથા પારડીના સિવિલ જજ ઝેડ. જી. મોડનના શુભ હસ્તે દીપ પ્રાગટય કરી આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મુકવામાં આવી હતી.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દરેક મેચ દરમિયાન સારું પરફોર્મન્સ કરનાર અને મેન ઓફ ધ મેચ બનનારખેલાડીને તાત્કાલિક સિનિયર વકીલોના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. આ ઉપરાંત ફાઈનલ અને સેમી ફાઈનલમાં પણ બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બેસ્ટમેન, સહિત મેન ઓફ ધ મેચ અને રનર્સ અપ અને ફાઈનલમાં જીત મેળવનાર ટીમને ટ્રોફીઓ આપી બિરદાવવામાં આવ્યા હતા.
ખૂબ મોટી સંખ્યામાં વલસાડ જિલ્લા 12 એસોસિએશનના વકીલો એક જ સ્થળે ભેગા મળી સૌ આનંદ ઉલ્લાસથી અને ભાઈચારાની ભાવના સાથે ક્રિકેટ રમતા વલસાડ જિલ્લામાં બાર એસોસિએશનમાં સંગઠન અને એકતા હોવાનું પુરવાર થયું છે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પારડીના સિનિયર વકીલ ભરતભાઈ પટેલ, મહેશભાઈ પટેલ સહિત અનેક સિનિયર વકીલો તથા નવયુવાન વકીલોએ ભેગા મળી આ ટુર્નામેન્ટ સફળ બનાવી હતી. ટુર્નામેન્ટ દરમિયાન કોમેન્ટ્રી સિનિયર વકીલ એવા યોગેશભાઈ રાજપૂતે પોતાની અલૌકિક વાણીમાં આપી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.