(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09: સેલવાસ નગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આવાસ અને શહેરી મંત્રાલય ભારત સરકાર દ્વારા 1 જૂન, 2020ના રોજ ‘પ્રધાનમંત્રી સ્વનિધિ’ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ સ્કીમ અંતર્ગત નાના દુકાનદારોને 10, 20 અને 50હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે. જેનાથી તેઓને પોતાનો ધંધો શરૂ કરવા મદદ મળી રહે છે. જે અંતર્ગત સેલવાસ નગરપાલિકા દ્વારા 2151 પથ વિક્રેતાઓએ લોન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 1165 લોકોની લોન સ્વીકૃત થઈ ગઈ છે અને 1022ને લોન મળી ચુકી છે. ગત 4 જાન્યુઆરી, 2021ના રોજ સ્વનિધિ સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક પથ વિક્રેતાઓ અને તેઓના ઘરના સભ્યોને અન્ય યોજનાનો લાભ અપાવવાનો છે જેના અંતર્ગત 2506માંથી 1076 લોકોને અને એમના પરિવારના સભ્યોને સોસીયો ઈકોનોમિક પ્રોફાઈલિંગ થઈ ચુક્યુ છે. જેમાં કુલ 898 લાભાર્થીઓને અલગ અલગ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અને વન નેશન વન રેશનકાર્ડ વગેરેનો લાભ મળવાપાત્ર રહેશે.
આ યોજનાને આગળવધારતા આવાસન અને શહેરી મંત્રાલય ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દાનહ-દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને સેલવાસ નગરપાલિકાના પ્રમુખશ્રી રાકેશસિંહ ચૌહાણના દિશા-નિર્દેશમાં પાલિકા કોન્ફરન્સ હોલ ખાતે પરિચય બોર્ડ વિતરણ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં પથ વિક્રેતાઓને પરિચય બોર્ડ અને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હસ્તાક્ષરિત પરિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત રૂા.20 હજાર અને રૂા.50હજારની લોન માટે નાના વેપારીઓ પોતાનું ફોર્મ પાલિકા કચેરીમાં આવીને ભરી શકે છે અને સ્વનિધિથી સમૃદ્ધિ યોજના અંતર્ગત અલગ અલગ યોજનાઓનો લાભ લઈ શકે છે.