ખાતમુહૂર્ત પ્રસંગે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 32 યુનિટ રક્ત એકત્ર થયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી તાલુકાના કુકેરીમાં માલવી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબા વિદ્યાલયમાં ધોરણ 1 થી 12 વિજ્ઞાન પ્રવાહ સુધીનું શિક્ષણ રહેવા જમવાની સગવડ સાથે વિનામૂલ્યે પૂરૂં પાડવામાં આવી રહ્યું છે. સરકારની ગ્રાંટ લીધા વિના માત્ર દાતાઓના સહયોગથી ધમધમતું આ શિક્ષણ ધામમાં 600 ેથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સંસ્થામાં ગરીબ અનાથ અનેસિંગલ પેરેન્ટ્સ હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પ્રાથમિકતા આપવામાં આવે છે. કોઈપણ પ્રકારની બાળકો પાસેથી ફી લીધા વિના સુવિધાભર ગુણવત્તા યુક્ત શિક્ષણ પૂરૂં પડતા બોર્ડની પરીક્ષામાં સારા દેખાવ સાથે અનેક વિદ્યાર્થીઓ સફળ કારકિર્દી તરફ જઈ રહ્યા છે.
બહેનો માટે દાતાઓના સહયોગથી સુવિધાભર છાત્રાલયના નિર્માણ બાદ 150 જેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા વાળા કુમાર છાત્રાલયના બાંધકામ માટે મુંબઈના દાતા શ્રી દિલીપભાઈ શાંતિલાલ શાહ પરિવાર દ્વારા 25-લાખ રૂપિયાનું દાન આપવામાં આવતા આ છાત્રાલયનું ખાતમુહૂર્ત શ્રી રતિલાલ પ્રાણજીવન (મેલબોર્ન ઓસ્ટ્રેલિયા), વાંસદાના શ્રી મગનભાઈ, નવસારીના શ્રી પરેશભાઈ રાઠોડ, શ્રી હેમંતભાઈ પરમાર સહિતનાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
ખાતમુહૂર્ત પ્રસંગે ચીખલી લાયન્સ બ્લડ બેંક અને કુકેરી પીએચસીના સહયોગથી આયોજિત રક્તદાન શિબિરમાં 32-યુનિટ જેટલું રક્ત એકત્ર થયું હતું.સમગ્ર કાર્યક્રમમાં શ્રી અનિરુધ્ધસિંહ પરમાર, શ્રી હેમંતસિંહ રાઠોડ, શ્રી નીરવ દોડીયા, શ્રી ધ્રુવ પરમાર, શ્રી રાકેશ પરમાર સહિતના યુવાનો શાળાના સ્ટાફ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.