રૂા. 3.84 લાખનો દારૂનો અને ટ્રક મળી પોલીસે રૂા. 13.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક મોહંમદ રફી કાદર બલોચની કરેલી ધરપકડ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: થોડા દિવસોમાં થર્ટીફસ્ટ આવી રહી હોવાથી બુટલેગરો ગુજરાતમાં દારૂ ઠાલવવા માટે બેબાકળા બન્યા છે. આજે ગુરૂવારે વલસાડ એલ.સી.બી.એ પારડી હાઈવે હોટલ શ્રીનાથજી સામે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી સપાટો બોલાવી દીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબવલસાડ એલ.સી.બી.ને મળેલી બાતમી આધારે પારડી હાઈવે હોટલ શ્રીનાથજી સામે વોચ ગોઠવી હતી. બાતમી વાળી ટ્રક નં.જીજે 10 ઝેડ 6507 આવતા પોલીસે ટ્રક અટકાવી ચેકીંગ કર્યું હતું. ટ્રકમાં દારૂના બોક્ષમાં કુલ 696 નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. ચાલક મોહંમદ રફી કાદર બલોચ રહે.જામનગર મહાપ્રભુજીની બેઠક પાસેની ધરપકડ કરી હતી. પોલીસે દારૂની કિંમત રૂા.3.84 લાખ અને 10 લાખની ટ્રક મળી કુલ 13.84 લાખનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પુરી થયા બાદ એસ.આર.પી.ના જવાનો ચેકપોસ્ટથી દૂર કરાતાની સાથે જ બુટલેગરો ફરી માર્કેટમાં આવી ગયા છે.