એક્સિડન્ટના કિસ્સામાં ડ્રાઈવરને 10 વર્ષની સજા અને 7 લાખના દંડના કાયદાનો જોરદાર વિરોધ કરાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: સંસદના શિયાળુ સત્રમાં કેટલાક નવાકાયદાઓ પસાર કરવામાં આવ્યા છે તે પૈકી ગૃહખાતા દ્વારા પ્રસ્તુત કરાયેલ ટ્રક અથવા બસ ડ્રાઈવરોને એક્સિડન્ટના કિસ્સામાં 10 વર્ષની સજા અને 7 લાખની જોગવાઈનો કહેવાતો તખલદી કાયદો બનાવાયો છે. જેનો ગુજરાત અને ભારતભરમાં ડ્રાઈવરો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે. આજે સોમવારે વાપીમાં પણ ટ્રક-બસ ડ્રાઈવરોએ હડતાલ પાડી નવા કાયદાનો વિરોધ કર્યો હતો.
વાપીમાં આજે ટ્રક ડ્રાઈવર એસોસિએશન દ્વારા વાપી-ચણોદ-નાનાપોંઢા રોડ ઉપર હડતાલ પાડી ચક્કાજામ કર્યો હતો. ડ્રાઈવરો માટે ભારત સરકાર દ્વારા લવાયેલ નવા કાયદાનો દેશભરમાં જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઠેર ઠેર દેખાવો હડતાલ ડ્રાઈવરો પાડી રહ્યા છે. આજે પણ વાપીમાં ડ્રાઈવરોએ સુત્રોચ્ચાર કરીને પુતળુ બાળી નવા કાયદાનો વિરોધ કર્યો હતો. ડ્રાઈવરોનો આ વિરોધ વધુ આક્રોશ સાથે ફેલાઈ રહ્યો છે. જો યોગ્ય નિર્ણય નહી થાય તો આગામી સમયમાં આંદોલન જોર પકડશે, જેની અસર અર્થતંત્ર ઉપર પડી શકે છે. ડ્રાઈવરોએ દલીલ કરી હતી કે અકસ્માત જાણી જોઈને કોઈ કરતું નથી જે સંજોગ વસાત થઈ જતો હોય છે. તેના માટે આવો કાળો કાયદો ડ્રાઈવરો માટે અમલમાં લવાય તે વ્યાજબી નથી.