સમગ્ર સંઘપ્રદેશમાં રાજનીતિના ઓથા હેઠળ ગોરખધંધા કરનારાઓમાં ફફડાટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવિનભાઈ પટેલ અને તેમના લઘુબંધુ અશોક પટેલની આજે દમણ પોલીસે ખંડણી વસૂલવાના મુદ્દે ધરપકડ કરતા સમગ્ર સંઘપ્રદેશમાં રાજનીતિના ઓથ હેઠળ ગોરખધંધા કરનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ નવિન પટેલ અને તેમના લઘુબંધુ અશોક પટેલે દલવાડાની એક કંપનીના સ્ક્રેપ કોન્ટ્રાક્ટર પાસે દર મહિને પોતાના વિસ્તારમાં ધંધો કરવા પેટે પ્રોટેક્શન મની રૂપે હપ્તો આપવા દબાણ કર્યું હતું. જે મુજબ ફરિયાદી અને તેમના પાર્ટનરે દર મહિને નવિન પટેલ અને તેમના નાના ભાઈ અશોક પટેલને હપ્તો આપી રહ્યા હતા. આ પ્રકારની ફરિયાદ કોસ્ટલ પોલીસ સ્ટેશન કડૈયામાં આઈ.પી.સી.ની 384, 506, આર/ડબ્લ્યુ 34 અંતર્ગત ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જે અંતર્ગત પોલીસને તપાસ દરમિયાન મળેલા તથ્યોના આધારે આરોપીઓને પકડવા માટે એક પોલીસ ટીમનું ગઠન કરવામાં આવ્યુંહતું અને ગુપ્ત બાતમીદારની સૂચના તથા ટેક્નીકલ સહાયથી દમણ પોલીસે નવિન પટેલ અને તેમના નાના ભાઈ અશોક પટેલની દલવાડા વિસ્તારમાંથી ધરપકડ કરી હોવાનું એસ.પી. શ્રી અમિત શર્માએ જણાવ્યું હતું.
દમણ પોલીસે આજે આરોપી નવિન પટેલ અને તેમના ભાઈ અશોક પટેલને બપોર બાદ દમણ કોર્ટમાં રજૂ કરતાં માનનીય કોર્ટે પાંચ દિવસના 16 જાન્યુઆરી, 2023 સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
અત્રે યાદ રહે કે, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવિનભાઈ પટેલ સામે સી.બી.આઈ. દ્વારા રજીસ્ટર્ડ આવકના જ્ઞાત સાધનો કરતા વધુ સંપત્તિનો કેસ કોર્ટમાં હજુ પડતર છે અને તેની સુનાવણી પણ શરૂ થઈ ચુકેલ છે.