પોલીસ જવાને ચાલકને દંડો મારતા મામલો ઉભો થયો : ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળો પાડયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03
વાપીમાં આજે શુક્રવારે મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ હતો તે માટે સિક્યોરિટી અંતર્ગત ટ્રાફિક નિયંત્રિત કરવામાં આવી રહ્યો હતો તેથી હાઈવે ઉપર ચક્કાજામ સર્જાયો હતો. ત્યારે ફરજ ઉપરના પોલીસ જવાને એક ચાલકને દંડો મારી દેતા મામલો બીચકાયો હતો. વાહન ચાલકોએ પોલીસ વિરૂધ્ધ હંગામો મચાવી દેતા હાઈવે ઉપર ટોળે ટોળા ઉભરાઈ ગયા હતા. અંતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની દરમિયાનગીરી બાદ મામલાનું સમાધાન થયું હતું.
આજે શુક્રવારે વાપીમાં આર.કે. દેસાઈ કોલેજમાં નવનિર્માણ પામેલ વાણિજ્ય મહાવિદ્યાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. લોકાર્પણ માટે સી.એમ. ભુપેન્દ્ર પટેલ વાપીમાં ઉપસ્થિતિ હોવાથી પોલીસે ટ્રાફિકથી લઈ સલામતિ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો. તેથી કાર્યક્રમ બાદસી.એમ.ના કાફલાના રવાના સમયે વાહનો અટકાવી દેવાયા હતા. તેથી જબરજસ્ત ટ્રાફિક જામ્યો હતો તે દરમિયાન એક પોલીસ જવાને એક વાહન ચાલકને લાકડી ફટકારી દેતા વાહન ચાલકો ઉશ્કેરાઈ ગયા હતા અને ભારે હંગામો મચાવી દેતા સેંકડો વાહન ચાલકોના ટોળા અને પોલીસ વચ્ચે સંઘર્ષ ઉભો થયો હતો. અંતે મામલો વધુ સંવેદનશીલ બને તે પહેલા ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ધસી આવીને મામલાનું સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ ટ્રાફિક પર નિયમિત કંટ્રોલ થઈ ગયો હતો.