(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05: શનિવારે દાદરા નગર હવેલીના અથાલ ગામે ભીલાડ તરફથી આવી રહેલ ટેન્કર એક કંપનીમાં જઈ રહ્યું હતું જેની સાથે બાજુમાંથી પસાર થઈ રહેલ ટ્રક જોરથી ટકરાતા ટેન્કરની ટાંકી ફાટી જવા પામી હતી. જેના કારણે ઓઇલ આખા રસ્તા પર ઢોળાયુ હતું. ઓઇલ ઢોળાવાના કારણે રસ્તા ઉપર બન્ને તરફ ટ્રાફિકજામ સર્જાવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર ભીલાડ તરફથી ટેન્કર નંબર ડીએન-09 યુ-9423 જે અથાલની ખુશ્બૂ કંપની તરફ આવી રહ્યું હતું જે રિલાયન્સ પેટ્રોલપમ્પ નજીક ટર્ન લઈ રહ્યું હતું તે સમયે એજ લાઈનમાં પુરઝડપે ટ્રકઆવી રહી હતી, જેના ચાલકે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો પણ ટ્રક ઉભી રહી શકી નહિ અને સીધી ટેન્કર સાથે ટકરાઈ હતી. જેના કારણે ટેન્કરના ટાંકીમાં મોટું ગાબડું પડતા ફાટી ગઈ હતી અને ટેન્કરમાંથી ઓઇલ વહેવા લાગ્યું હતું. જે આખા રસ્તા પર ઢોળાયું હતું. આ ઘટનાની જાણ પોલીસ વિભાગને થતાં પી.એસ.આઈ. શ્રી અનિલ ટી.કે.સહિત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક પહોંચી હતી અને બંને તરફ વાહનોની અવર-જવર બંધ કરી દેવામાં આવી હતી અને રસ્તા પર ઢોળાયેલ ઓઈલને પાણીનો મારો ચલાવી સાફ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે ચાર કલાક જેટલો સમય બન્ને તરફ ટ્રાફિકજામ રહ્યો હતો.