(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22: દાદરા નગર હવેલીના દાદરા ખાતે આવેલ ફિલાટેક્ષ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતી વખતે યુવાન કામદાર નીચે પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં હોવાની માહિતી મળી છે.
પ્રાપ્ત વિગત મુજબ અજય યાદવ (ઉ.વ.23) હાલ રહેવાસી દાદરા અને મૂળ રહેવાસી અલાહાબાદ-ઉત્તરપ્રદેશ. જેઓ પંદર દિવસ પહેલા જ ફિલાટેક્ષ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં ટેકઅપ ડિપાર્ટમેન્ટમાં નોકરી પર લાગ્યો હતો. જે સવારના સમયે ટ્રોલી પર ચડયો હતો અને અચાનક બેલેન્સ ખોરવાતાં વાઈન્ડર મશીન પર પટકાયો હતો. જેના કારણે એના શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી. કંપની સંચાલકો દ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્ત બનેલા યુવાનને એમ્બ્યુલન્સ મારફતે વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો.
અત્રેઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલીની કંપનીઓમાં વારંવાર દુર્ઘટનાઓ બનતી રહે છે અને પ્રશાસન તથા પોલીસની કાર્યવાહીથી બચવા માટે ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરાતા નથી અને સીધા વાપી ખાતેની ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે લઈ જવાતા હોય છે.