ઉમરગામ, વલસાડ, વાપીમાં ભવ્ય શોભાયાત્રાઓ નિકળી: રામ નવમીનો સૌથી દમદાર માહોલ વાપીમાં છવાયો : શહેર આખું ધ્વજ, પતાકાથી સજ્જ : ઠેર ઠેર જયશ્રી રામનો જયઘોષ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: વાપી સહિત વલસાડ જિલ્લામાં ગુરૂવારે રામ નવમીની ભવ્ય દબદબા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વાપીમાં ત્રણ-ત્રણ શોભાયાત્રાઓ અલગ અલગ સ્થળોએથી નિકળી હતી. શહેરનો માહોલ રામ મય બની ચૂક્યો હતો.
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો પૃથ્વી ઉપર અવતરણ દિવસ એટલે ચૈત્રી-9નો દિવસ હતો. ત્યારથી ભારત વર્ષમાં રામ નવમીની ઉજવણી થાય છે તે અંતર્ગત વાપી સહિત વલસાડ જિલ્લામાં વલસાડ, ધરમપુર, ઉમરગામ, પારડીમાં ભવ્ય શોભાયાત્રાઓ નિકળી હતી. વાપીમાં જુદી જુદી ત્રણ સામાજીક સંસ્થાઓ દ્વારા અલગ અલગ સ્થળોથી શોભાયાત્રાઓ રથ, ટ્રક, ગાડીઓ, મોટર સાયકલ ઉપર નિકળેલી રથયાત્રાઓ વાપી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી. છીરીથી જે-ટાઈપ, હનુમાન મંદિર અને ચણોદથી ભગવાન શ્રી રામના જયઘોષ સાથે ત્રાસા, ઢોલ નગારાના જયઘોષ ઠેર ઠેર છવાયો હતો. જ્યાં જ્યાંથી શોભાયાત્રાઓ પસાર થઈ હતી ત્યાં ત્યાં રસ્તાઓમાં સરબત, પાણી, છાશ, ફળોનું ધાર્મિકો દ્વારા ભક્તિભાવથી વિતરણ કરવામાં આવી રહ્યુંહતું. છીરીમાંથી નિકળેલી શોભાયાત્રામાં શ્રીજી પેટ્રોલ પમ્પ ઉપર ફુલોની વર્ષા કરવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા સમગ્ર વાપીમાં જાહેર રોડ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયેલો જોવા મળ્યો હતો.