(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આજે હનુમાન જન્મ જયંતિ નિમિત્તેની પ્રદેશના વિવિધ મંદિરોમાં ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ‘પવનપુત્ર હનુમાનજી કી જય’ના નાદ સાથે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં મંદિરોમાં દર્શને પહોંચ્યા હતા.
હનુમાન જન્મોત્સવ નિમિત્તે સેલવાસના આમળી વિસ્તારમાં આવેલ હનુમાન મંદિર, રામજી મંદિર, પોલીસ સ્ટેશનની બાજુમાં, પાતળિયા ફળીયા, બાવીસા ફળીયા, ગાયત્રી મંદિર, મધુબન ડેમ કોલોની, બિન્દ્રાબિન હનુમાનજી મંદિર તેમજ નરોલી ખાતે આવેલ બાલેશ્વર મહાદેવ મંદિર ખાતે હવન અને પૂજાના આયોજન સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે દમણ અને દીવના વિવિધમંદિરોમાં પણ હનુમાન દાદાની જન્મ જયંતિની રંગેચંગે ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી રામ ભક્ત હનુમાજીના અનેક મંદિરોમાં ભજન-કીર્તન, રામાયણ પાઠ, સુંદરકાંડ, પૂજા-અર્ચના અને મહાપ્રસાદનું મોટાપાયે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ હનુમાન દાદાના દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
દાદરા નગર હવેલીમાં આમળી ખાતેના હનુમાન મંદિરમાં સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે તેમણે સંઘપ્રદેશની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.