(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને બી.એન.આઈ. ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે હોટલ લેન્ડમાર્કમાં એક્સપો 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીઓની પ્રોડક્ટ વિશે માહિતગાર કરી ઉદ્યોગોનો વિકાસ અને ઈન્ડસ્ટ્રીઝ એરિયાને દેશના ઉદ્યોગ જગતમાં નવી ઓળખઆપવાના ઉદેશથી એક્સપો 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરગામ ઔદ્યોગિક વસાહતની સ્થાપના બાદ પ્રથમ વખત કરવામાં આવી રહેલું આયોજન સફળ રહેતા આયોજકોનો હોસલો બુલંદ બની જવા પામ્યો છે. આ કાર્યક્રમમાં બી.એન.આઈ. ચેપ્ટરના 26 જેટલા સભ્યોએ અને બાકીના યુઆઈએના સભ્યોએ સ્ટોલ લગાવી પ્રોડક્ટ વિશે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમનું ઉદ્ધાટન ઉમરગામના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ઈશ્વરભાઈ બારીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુઆઈએના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બારી, માજી પ્રમુખ શ્રી ભગવાનભાઈ ભરવાડ, તેમજ ઉમરગામ જીઆઈડીસીમાં વિશાળ એકમ ધરાવતા ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ અને ચંદન સ્ટીલના પ્રતિનિધિઓ અને યુઆઈએની સમગ્ર ટીમની ઉપસ્થિતિ જોવા મળી હતી. આજના આયોજિત એક્સપોની સફળતા અને ઉદ્યોગપતિઓમાં જોવા મળેલો ઉત્સાહ બાદ યુઆઈએના પ્રેસિડેન્ટ શ્રી જીગ્નેશભાઈ બારીએ આવતા વર્ષે મોટાપાયે આયોજન કરવાની ઈચ્છા બતાવી હતી.