જેટીનું કામ સમય મર્યાદામાં અને ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે કોન્ટ્રાક્ટ એજન્સીને તાકીદ કરતા મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ
માછીમાર સમાજના ભાઈઓના પ્રશ્નો સાંભળી તેનો ઉકેલ લાવવા માટે પણ મંત્રીશ્રી પટેલે હૈયાધરપત આપી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: ગુજરાતમાં સૌ પ્રથમ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં રૂ.૨૪.૬૫ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી ફલોટીંગ જેટી (મત્સય ઉતરણ કેન્દ્ર)નું કામ હવે એકદમ પૂર્ણતાને આરે હોવાથી તા. ૧૪ એપ્રિલને શુક્રવારે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની સાથે મુલાકાત લઈ જેટીની કામગીરીનું ઝીણવટભર્યુ નિરિક્ષણ કર્યું હતું સાથે માછીમાર સમાજના બંધુઓના પ્રશ્નો સાંભળી તેનો ઉકેલ લાવવા માટે પણ હૈયાધરપત આપી હતી.
વલસાડ જિલ્લાની એક દિવસીય ઉડતી મુલાકાતે આવેલા મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાથે ઉમરસાડીમાં નિર્માણ પામી રહેલી રાજ્યની સૌ પ્રથમ અતિ આધુનિક ફલોટિંગ જેટીની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. આ સમયે ઉપસ્થિત રહેલા ડ્રેજીંગની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને મંત્રીશ્રી કનુભાઈએ કડક શબ્દોમાં સૂચના આપી જણાવ્યું કે, આગામી મહિના બાદ ચોમાસાની સિઝન શરૂ થનાર હોવાથી જેટીને લગતી કામગીરી સમય મર્યાદામાં ગુણવત્તાયુક્ત કામગીરી સાથે પૂર્ણ થવી જોઈએ. જો સમય મર્યાદામાં કામ પૂર્ણ ન થાય તો કોન્ટ્રાક્ટ એજન્સી સામે કાર્યવાહી કરવા અધિકારીઓને મંત્રીશ્રી દેસાઈએ તાકીદ કરી હતી. આ સિવાય ફલોટીંગ જેટીનો રસ્તો અને સ્લેબની કામગીરી બાકી હોવાથી મંત્રીશ્રી કનુભાઈએ અન્ય એક એજન્સીના કોન્ટ્રાક્ટરને ૨૪*૭ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવા જણાવ્યું હતું. કામ ઝડપી અને ગુણવત્તા સાથે સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂર પડ્યે વધારાના મશીનોનો પણ ઉપયોગ કરવા સૂચન કર્યું હતું. વધુમાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, વર્ષ ૨૦૧૪થી ફલોટીંગ જેટીનું કામ શરૂ થયુ હતું જે હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન સરકાર પર ધીરજ અને વિશ્વાસ રાખનાર તમામ માછીમાર ભાઈઓનો આભાર માનુ છું.
મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું કે, રાજ્યના સિનિયર મોસ્ટ કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અથાગ પ્રયાસોથી આ ફલોટીંગ જેટી આકાર લઈ રહી છે. આ જેટીનું કામ સમય મર્યાદામાં અને ગુણવત્તા સાથે પાર પડે એ ખૂબ જ અગત્યનું છે. ગુજરાતની આ સૌ પ્રથમ ફલોટીંગ જેટી બનવા જઈ રહી છે જેની ડિઝાઈન આઈઆઈટી મદ્રાસ દ્વારા તૈયાર કરાઈ હોવાથી માછીમાર સમાજે કોઈપણ ચિંતા કરવાની જરૂર નથી. આ જેટી બન્યા બાદ માછીમારોને ઘર આંગણે જ રોજગારી મળશે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા માછીમાર સમાજના આગેવાનોએ પોતાના પડતર પ્રશ્નોની પણ લેખિતમાં મંત્રીશ્રીને રજૂઆત કરી હતી. આ સિવાય ગામના માછી સમાજના અગ્રણી રમેશભાઈ હરીભાઈ ટંડેલે જણાવ્યું કે, દેશ-વિદેશમાં માછીમારીનો મારો ૬૫ વર્ષનો અનુભવ કહે છે કે, કાદવ કાઢવાથી ફાયદો થવાનો નથી તેના બદલે બ્રેક વોટર બનાવવું જરૂરી છે. આ સિવાય ફ્લોટીંગ જેટીમાં એન્કર નાંખવું જરૂરી છે. આ સિવાય જેટીની સાઈડ પર દિવાલ બનાવવા માટે પણ રજૂઆત કરી હતી. જે અંગે કોન્ટ્રાક્ટ એન્જસીના સંચાલકે જણાવ્યું કે, આઈઆઈટી મદ્રાસના માર્ગદર્શન હેઠળ આ ફલોટીંગ જેટી બનાવવામાં આવી રહી છે. જેથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
આ પ્રસંગે માછી મહાજન મંડળ અને સીમેન્સ મંડળ સહિતના મંડળો અને અગ્રણીઓએ બંને કેબિનેટ મંત્રીશ્રીઓનું ઉષ્માભર્યુ સ્વાગત કરી ફલોટીંગ જેટી બદલ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને સમગ્ર ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.
-૦૦૦-