(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે આધ્યાત્મિક માહોલમાં દાદરા મંડળ શ્રી શીતલનાથ દાદાના જિનાલયની 52મી વર્ષગાંઠ વિધિ વિધાનથી મનાવવામાં આવી હતી. કાર્યક્રમમાં જૈન ધર્મના આચાર્ય મહારાજની ઉપસ્થિતિમા વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિર પરિસરમાં નવકારશિ, સતરભેદી પૂજા બાદ ધ્વજારોહણ બાદ સ્વામિવત્સલ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદરા સંઘના ટ્રસ્ટી શ્રી નટુભાઈ શાહના નેતૃત્વમાં આખા સંઘનો સહયોગ રહ્યો હતો. ધ્વજારોહણ દરમ્યાન ભક્તોમાં ઈશ્વર પ્રત્યે આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળ્યો. ભગવાનના જયકારથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. જૈન દેરાસરની 52મા વર્ષગાંઠ નિમિત્તે આયોજીત ધ્વજારોહણ કાર્યક્રમમાં મુખ્ય યજમાન સ્વ.મીનાક્ષીબેન ઘેવરચંદ લુણાવત, પ્રિયાબેન જયેશ કુમાર લુણાવત, વર્ષાબેન પંકજકુમાર લુણાવત અને દક્ષાબેન મહેન્દ્ર કુમાર લુણાવત સહિત સમાજના અગ્રણીઓની અધ્યક્ષતામાં આયોજીત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજ સેવક અને અગ્રણી શ્રી કૌશીલ શાહે જણાવ્યું હતું કે ધ્વજારોહણ કાર્યક્રમને દાદરા સંઘ દ્વારા હર્ષોલ્લાસ સાથે સફળ બનાવ્યો હતો. શ્રી કૌશીલ શાહે ઉપસ્થિત સર્વ સમાજનો પણ આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે આપણોવિસ્તાર ધાર્મિકતાનું પ્રતિક છે, જ્યાં દરેક ધર્મના લોકો સૌહાર્દના માહોલમા તહેવાર અને પર્વ મનાવે છે.