(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.01: ચીખલી તાલુકામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજેત્રણેક વાગ્યાના અરસામાં કણભઈ-સતાડીયા, ફડવેલ, ગોડથલ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. અને સતત ધીમીધારે અડધા કલાક વરસાદથી રસ્તા પરથી રીતસરના પાણી વહેતા થઈ ગયા હતા. અને ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો હતો વરસાદને પગલે તાપમાનમાં પણ ઘટાડો થતાં ગરમીમાં રાહત અનુભવાય હતી.
જોકે આ વિસ્તારમાં હાલે લગ્નની સિઝન જામી હોય આજના કમસમી વરસાદથી લગ્નના આયોજકોની દોડધામ વધી જવા પામી હતી. કણભઈ ગામે દિનેશભાઈ મગનભાઈ પટેલના ઘરે લગ્ન પ્રસંગ હોય મંડપો પણ પાણીમાં તરબોળ થવા સાથે કાદવની સ્થિતિ ઊભી થતા અનેક મુશ્કેલીઓ સર્જાઈ હતી. તાલુકા મથક ચીખલી તથા આજુબાજુના ગામોમાં સતત બે દિવસ વરસાદ વરસ્યો હતો. પરંતુ આજે ન વરસતા લોકોને રાહત થવા પામી હતી. જોકે હવામાન વિભાગની આગાહીને પગલે ખાસ કરીને લગ્નના આયોજકોની ચિંતા વધવા પામી છે.