સર્વોદય સોસાયટીનો યુવક તળાવમાં ન્હાવા ગયો હોવાની થઈ ઓળખ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.21: પારડી શાકભાજી માર્કેટ પાસે ઐતિહાસિક તળાવના ઉંડા પાણીમાં આજે શનિવારના સવારે એક યુવકનો પાણીમાં તરતો મૃતદેહ દેખાઈ આવતા પાલિકાના માજી સભ્ય દિલિપભાઈ, કિર્તીભાઈ તથા પાલિકાના સેનેટરી વિભાગના સુપરવાઈઝર પંકજભાઈ સહિત સ્થાનિક લોકો દોડી જઈ પારડી પોલીસ સાથે ફાયરની ટીમને જાણ કરતા બંને ટીમો ઘટના સ્થળે દોડી આવી પાણીમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક યુવક પારડી શાકભાજી માર્કેટ ખાતે સર્વોદય સોસાયટીમાં રહેતો જયકુમાર અશોકભાઈ માહ્યાવંશી ઉવ 23 હોવાની ઓળખ થવા પામી છે.
જય ગત શુક્રવારના રોજ નોકરી ઉપરથી ઘરે પહોંચી માતા ભૂમિના બેનને પોતાનો મોબાઈલ ફોનઅને પોતાના પૈસા આપી તળાવમાં ન્હાવા જાવ છું કહી ઘરેથી નીકળ્યા બાદ મોડી રાત સુધી ઘરે આવ્યો ન હતો. આજે મળેલ લાશ જયની જ હોવાની ખાતરી થતા પારડી પોલીસે લાશનો કબજો લઈ પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઐતિહાસિક તળાવ ઊંડું કરવામાં આવ્યું છે અને અગાઉ તળાવ ફરતે ન્હાવા અને તરવા જવાની મનાઈ હોવાના બોર્ડ મૂકવામાં આવ્યા હતા. હાલ આવા બોર્ડ ન દેખાતા માજી સભ્ય દિલિપભાઈએ પારડી ચીફ ઓફિસર અને વહીવટદારને ફરીથી આવા બોર્ડ તળાવ ફરતે લગાવવા જેથી આવા બનાવ બનતા રોકી શકાય.