(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દર્દીઓને સારી ગુણવત્તાવાળી દવાઓ મળે એવા ઉમદા હેતુથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને નિર્દેશ હેઠળ સેલવાસની તર્જ પર દમણના તમામ ખાનગી દવા વિક્રેતાઓની એક બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકને આરોગ્ય નિર્દેશક ડો. વી.કે.દાસે સંબોધિત કરી મુખ્ય ઉદ્દેશ સમજાવતા જણાવ્યું હતું કે, લોકો સુધી સારી ગુણવત્તાવાળી દવાઓ(જેનરિક)ને યોગ્ય અને સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવાનો છે.
આરોગ્ય નિર્દેશક ડો. વી.કે.દાસે તમામદવા વિક્રેતાઓને જેનરિક મેડિસિન અને તેના મહત્ત્વને સમજાવતા નિર્દેશ આપ્યો હતો કે, પોતાના દુકાનમાં જેનરિક મેડિસિનના વેચાણને પ્રોત્સાહન આપે અને તેમની દવાની દુકાનો આગળ ‘અહીં જેનરિક દવાઓ ઉપલબ્ધ છે’ના હોર્ડિંગ બેનર લગાવવામાં આવે જેથી લોકો જેનરિક દવાઓ ખરીદવા માટે જાગૃત થઈ શકે.
અંતમાં દરેક દવા વિક્રેતાઓને અનુરોધ કરવામાં આવ્યો હતો કે તેઓ જેનરિક મેડિસિનને પ્રોત્સાહન આપે અને જરૂરિયાતમંદ લોકો સુધી સારી અને ઉત્તમ સુવિધા પહોંચાડવા માટે આરોગ્ય વિભાગને મદદરૂપ બને.