October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ઉમરસાડીની જે.વી.બી. સ્મારક હાઈસ્કૂલમાં પ્રાકૃતિક કૃષિ કૌશલ્ય તાલીમ વર્ગનો નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયેલો શુભારંભ

ખેડૂતોની આવક બમણી કરવા અને કલાઈમેન્ટ ચેન્જ સામે લડવુ હોય તો પ્રાકૃતિક ખેતી જ એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

એનસીઈઆરટી દ્વારા બાળકોને બાલવાટિકામાં પ્રવેશ મળે ત્યારથી જ હવે ગાય, ગામડુ અને લીમડાના પાઠ થકી પ્રાકૃતિક ખેતીનું શિક્ષણ છેક કોલેજ સુધી અપાશેઃ વાઈસ ચાન્સેલર ડો. સી.કે.ટીમ્બડીયા

પ્રાકૃતિક ખેતીના પાંચ આયોમોનો પૂર્ણ પણે અમલીકરણ કરવામાં આવે તો જમીનમાં સેન્દ્રિય કાર્બન વધે છેઃ મુખ્ય સંયોજક પ્રફૂલભાઈ સેંજલીયા

૩૫ યુવક-યુવતીઓ ૭ દિવસ સુધી તાલીમ મેળવશે, તમામને રોજગાર માટે ઉપયોગી સર્ટિફીકેટ પણ અપાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૮: રાજ્યમાં સૌ પ્રથમવાર ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી, હાલોલ અને વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ગામ સ્થિત જે.વી.બી. સ્મારક હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે તા. ૨૮ મે થી તા. ૩ જૂન સુધી યોજાનાર પ્રાકૃતિક કૃષિ કૌશલ્ય તાલીમ વર્ગનો રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ આજરોજ પ્રારંભ કરાવ્યો હતો.
પારડીની જે.વી.બી.સ્મારક હાઈસ્કૂલ ખાતે યોજાનાર સાત દિવસીય તાલીમ વર્ગના શુભારંભ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે દુનિયાને વિશ્વ યોગ દિવસની ભેટ આપી છે. ત્યારબાદ પચવામાં સરળ અને પૌષ્ટીક આહાર તરીકે ગણાતા જાડા ધાન્ય (મિલેટ્સ)ને વડાપ્રધાનશ્રીએ પ્રાધાન્ય આપી હાલમાં સમગ્ર દેશ મિલેટ્સ યર ઉજવી રહ્યો છે. હવે એક કદમ આગળ ચાલી જમીનની ફળદ્રુપતા અને તંદુરસ્તી માટે વિશાળ ફલક પર પ્રાકૃતિક ખેતીની પહેલ કરવામાં આવી છે. જે માટે બજેટમાં પણ જોગવાઈ કરાઈ છે. ગુજરાતમાં રાજ્યપાલ આર્ચાય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીનો નવો આયામ શરૂ કર્યો છે.
પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે વાત કરતા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વધુમાં કહ્યું કે, ખેડૂતોની આવક બમણી કરવા અને કલાઈમેન્ટ ચેન્જ સામે લડવુ હોય તો પ્રાકૃતિક ખેતી જ એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્રાકૃતિક કૃષિ બોર્ડ માટે સરકારે રૂ. ૧૦૦ કરોડ પણ ફાળવ્યા છે. પ્રાકૃતિક ખેતી સસ્તી અને સારી ખેતી છે. જે સાથે આવક અને તંદુરસ્તી પણ આપે છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજ્યના તમામ મંત્રીશ્રીઓ અને ધારાસભ્યોને પણ ૨ થી ૩ કલાકની પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે. મે પોતે પણ તાલીમ લીધી હોવાથી એવુ ચોક્કસ કહી શકુ છુ કે, આ સાત દિવસની તાલીમ તાલીમાર્થીઓને પોતાની ખેતીમાં તો મદદરૂપ બનશે જ સાથે હજારો ખેડૂતોને પણ નવી દિશા આપશે. આગામી સમયમાં પ્રાકૃતિક ખેતીની પેદાશો લોકો સુધી પહોંચી શકે તે માટે બજાર પણ ઉભુ કરવામાં આવનાર છે.
ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી, હાલોલ (હાલ કેમ્પસ આણંદ)ના વાઈસ ચાન્સેલર ડો. સી.કે.ટીમ્બડીયાએ જણાવ્યું કે, આપણા વડાપ્રધાનશ્રીએ વિષ મુક્ત ખેતીનું સ્વપ્ન જોયુ છે. જે અંતર્ગત વર્ષ ૨૦૧૭માં ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. જેમાં નેચરલ ફાર્મિંગના પાઠ ભણાવાવમાં આવશે. નવી શિક્ષણ નીતિ મુજબ એનસીઈઆરટી દ્વારા બાળકોને બાલવાટિકામાં પ્રવેશ મળે ત્યારથી જ હવે ગાય, ગામડુ અને લીમડાના પાઠ થકી પ્રાકૃતિક ખેતીનું શિક્ષણ છેક કોલેજ સુધી આપવામાં આવશે. સ્કૂલ છોડી જતા વિદ્યાર્થીઓ માટે પણ પ્રાકૃતિક ખેતી સફળતાના નવા દ્વાર ખોલશે. દેશ અને દુનિયામાં એક માત્ર પ્રાકૃતિક કૃષિ યુનિ. આપણી પાસે હોવાનું આપણને ગર્વ છે. આ સાત દિવસીય તાલીમનો પ્રારંભ અત્રેથી થયા બાદ સમગ્ર રાજ્યમાં યુવાઓને તાલીમ આપી પ્રાકૃતિક ખેતીની આહલેક જગાવાશે.
આ પ્રસંગે ગુજરાત પ્રાકૃતિક ખેતીની કૃષિ પ્રચારક સમિતિના મુખ્ય સંયોજક અને વર્ષ ૨૦૨૨માં ગુજરાત સરકારના ગરિમા એવોર્ડથી સન્માનિત પ્રફૂલભાઈ સેંજલીયાએ જણાવ્યું કે, ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિ. દ્વારા ૧૫ દિવસીય સર્ટિફીકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જેના થકી પ્રાકૃતિક કૃષિના નિષ્ણાંતો તૈયાર થશે. પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ ઘનજીવામૃત, જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને મિશ્ર પાકનો પૂર્ણ પણે અમલીકરણ કરવામાં આવે તો જમીનમાં સેન્દ્રિય કાર્બન વધે છે. જે ખેતી માટે ફળદાયી બની રહે છે. પ્રાકૃતિક ખેતી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી ઉત્પાદનમાં વધારો કરે છે અને ગુણવત્તા પણ સારી આપે છે. પોતાના ઘરે દેશી ગાય હોય તો ખેડૂતે બહારથી કોઈ વસ્તુ જેવી કે, રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ખર્ચ કરવાની જરૂર રહેતી નથી. આ ખેતી થકી જળ, જમીન અને પર્યાવરણની પણ જાળવણી થાય છે. ઉપરાંત પાકને રોગ પ્રતિકારક શક્તિ મળે છે. રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની આગેવાની હેઠળ ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં ખૂબ આગળ વધી રહ્યું છે. ત્યારે ટૂંકગાળાના આવા તાલીમ વર્ગમાં યુવાનો અને યુવતીઓને સર્ટિફીકેટ આપવામાં આવશે જે રોજગારી માટે ઉપયોગી સાબિત થશે.
૭ દિવસ તાલીમ દરમિયાન ૩૫ યુવક-યુવતીઓ પ્રાકૃતિક ખેતીના પાઠ શીખશે. શાળાના કારોબારી સભ્ય અને ગામના અગ્રણી ખેડૂત ભરતભાઈ દેસાઈનું મંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર વડે સન્માન પણ કરાયું હતું. કાર્યક્રમમાં શાળાના મંડળના મંત્રી ધીરૂભાઈ એન.દેસાઈ, બંકિમભાઈ દેસાઈ, શાળાના આચાર્ય વિજયભાઈ પટેલ, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડી.એન.પટેલ, શાળાનો સ્ટાફ અને ખેડૂતો તેમજ તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ પંચાયત માર્કેટના વેપારીઓની સમસ્‍યાનું સમાધાન કરતા ન.પા. ચીફ ઓફિસર

vartmanpravah

સેલવાસના પ્રવેશદ્વાર પીપરીયા પુલ પાસે જ ગંદકીનું સામ્રાજ્‍ય

vartmanpravah

રાષ્‍ટ્રીય યોગ ઓલિમ્‍પિયાડ-2022ના નામાંકન માટે દીવ રમતગમત વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ

vartmanpravah

સરકારની સ્માર્ટ ફોન યોજનાથી વલસાડ જિલ્લાના ખેડૂતો સ્માર્ટ બન્યા, કૃષિક્ષેત્રે નવી ટેકનોલોજી સાથે કદમ મેળવ્યા

vartmanpravah

પારડીમાં ભાજપ સદસ્‍યતા અભિયાનનો વિધિવત પ્રારંભ

vartmanpravah

સાયલીની કેમકો કંપનીના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાલ

vartmanpravah

Leave a Comment