-
દાનહના મસાટ અને ફલાંડીમાં પાંચ દિવસીય શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમનો શિક્ષણ નિર્દેશકે કરાવેલો પ્રારંભ
-
સંઘપ્રદેશ પ્રશાસને શિક્ષણના ક્ષેત્રમાં પુરી કરેલી તમામ જરૂરી સુવિધાઓના સતત અને પ્રભાવશાળી ઉપયોગથી પ્રદેશની બોર્ડની પરીક્ષાના પરિણામમાં વધારો કરવાનું લક્ષ્ય કેન્દ્રિત કરવા પ્રદેશના શિક્ષણ નિર્દેશક જતિન ગોયલે શિક્ષકોને આપેલી શિખામણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષણ અંતર્ગત પાંચ દિવસીય શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમનો પ્રારંભ આજે માધ્યમિક શાળા મસાટ અને ફલાંડીમાં કરવામાં આવ્યો હતો.
આ પ્રશિક્ષણ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલે શિક્ષકોને સંબોધિત કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિક્ષણની ગુણવત્તા અને પરિણામમાં વૃદ્ધિ માટે પ્રશિક્ષણ કાર્યક્રમ અત્યંત આવશ્યક છે. સંઘપ્રદેશ પ્રશાસને શિક્ષણના ક્ષેત્રમાં દરેક જરૂરી સુવિધાઓ પુરી કરી છે. આપણું લક્ષ આ સુવિધાઓના સતત અને પ્રભાવશાળી ઉપયોગથી પ્રદેશની બોર્ડ પરીક્ષાના પરિણામમાં વધારો કરવાનું હોવું જોઈએ. તેમણે મહારાષ્ટ્ર બોર્ડના દાદરા નગર હવેલી ખાતે આવેલા ધોરણ 10 અને 12ના લગભગ 90 ટકા જેટલા પરિણામ બદલ સંતોષ પ્રગટ કર્યો હતો, પરંતુ તેમણે ગુજરાત બોર્ડના પરિણામો પ્રત્યે પોતાની નારાજગી દર્શાવી તેને સુધારવા વધુ ધ્યાન આપવા શિક્ષકોને આહ્વાન કર્યું હતું.
શિક્ષણ વિભાગ દ્વારા પ્રશિક્ષણ ઉપરાંત પરિણામમાં વૃદ્ધિ માટે વિવિધ પગલાંઓ ભરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા 12મીના વિજ્ઞાન પ્રવાહના નિયમિત અભ્યાસ વર્ગોનો 15 મેથી પ્રારંભ કરાયો હતો. વધુમાં પૂરક પરીક્ષા માટે પણ નિવાસી વર્ગનુંઆયોજન કરાયું છે. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષથી દરેક પરીક્ષાઓની ઈ.આર.પી. પ્રણાલી દ્વારા સતત દેખરેખ રખાશે જેનાથી સતત સુધારણાંને તક મળશે. શિક્ષણ નિર્દેશકશ્રીએ શિક્ષકોને પ્રશિક્ષણ કાર્યક્રમમાં ગંભીરતાથી ભાગ લઈ વર્ગખંડ શિક્ષણને વધુ પ્રભાવશાળી બનાવવા તાકિદ કરી હતી. આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના 500 શિક્ષકોને ગુજરાત રાજ્યથી આમંત્રિત નિષ્ણાંતો દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે.