દમણ-સેલવાસ જિલ્લા કલેક્ટરોને હિન્દુઓને ન્યાય અપાવવાની માંગણી સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : હિન્દુ હિત રક્ષા સમિતિ દમણ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં આગામી તા.4થી ડિસેમ્બરના બુધવારના રોજ દમણ અને સેલવાસમાં ધરણાં-પ્રદર્શનનું આયોજન કર્યું છે. જેમાં દમણમાં નાનાી દિલીપનગર ગ્રાઉન્ડથી મોટી દમણ કલેક્ટરાલય સુધી શાંતિપૂર્ણ રેલી યોજવામાં આવશે અને ત્યારબાદ કલેક્ટરશ્રીને આવેદન પત્ર સોંપવામાં આવશે. જ્યારેસેલવાસમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોકથી ધરણાં-પ્રદર્શન રેલીનો પ્રારંભ કરી પોલીસ સ્ટેશન, ઝંડાચોક, કિલવણી નાકા થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવશે.
અત્રે યાદ રહે કે, બાંગ્લાદેશમાં અલ્પ સંખ્યક એવા હિન્દુઓ પર ત્યાંના ઉપદ્રવીઓ દ્વારા વધી રહેલ અત્યાચાર, હુમલાઓ અને મંદિરોને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ વિરુદ્ધ ભારતના હિન્દુ સમુદાયમાં આક્રોશ છે. એને વ્યક્ત કરવા માટે હિન્દુ હિતરક્ષક સમિતિ દમણ અને સેલવાસ દ્વારા 4થી ડિસેમ્બરના બુધવારે શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શન અને ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે.
બાંગ્લાદેશમાં હિન્દુ લોકો લાંબા સમયથી ધાર્મિક ભેદભાવ અને હિંસાનો શિકાર બની રહ્યા છે જેમાં ગત દિવસો દરમિયાન હિંસા વિરૂદ્ધ હિન્દુઓને એક કરીને બાંગ્લાદેશ સરકાર પાસે ન્યાયની માંગ કરી રહેલા ઈસ્કોનના સંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ કરવામાં આવી છે અને દેશદ્રોહનો આરોપ લગાવ્યો છે. તેઓ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોના હક માટે અવાજ ઉઠાવતા હતા. મુસ્લિમ દેશ બાંગ્લાદેશમાં ત્યાંની વચગાળાની સરકાર સાથે મળીને ઉપદ્રવીઓ હિંદુઓ વિરુદ્ધ હિંસક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આ મુદ્દે આપણાં દેશની સરકારને જગાડવા માટે અને આંતરરાષ્ટ્રીય સ્તર પરબાંગ્લાદેશીઓની દુષ્પ્રવૃત્તિઓને ઉજાગર કરવા અને તેમને ડામવા જરૂરી પગલાં ભરવા માટે જનતાનો અવાજ બુલંદ કરવાના આશયથી દમણ અને સેલવાસ હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા શાંતિપૂર્ણ રીતે આક્રોશ વ્યક્ત કરવા ધરણાં-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમિતિના દરેક સંપ્રદાય અને સંસ્થાના લોકોને ખુબ જ મોટી સંખ્યામાં દમણ-સેલવાસમાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.