‘આત્મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત લક્ષદ્વીપમાં શાકભાજી અને ફળોના ઉત્પાદનનો આરંભઃ પ્રશાસકશ્રીના કઠોર પરિશ્રમ ઉપર પ્રધાનમંત્રીશ્રીની મહોર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.11 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શનિવારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં ચાલી રહેલ વિકાસલક્ષી પ્રોજેક્ટ ‘ન્યુટ્રી ગાર્ડન’ પ્રોજેક્ટની સરાહના કરી હતી અને પ્રશાસકશ્રીના ટ્વીટને રી-ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ‘સરાહનીય પ્રયાસ, બહેતર પરિણામ.’
પ્રધાનમંત્રીશ્રીએ પોતાના ટ્વીટમાં આગળ જણાવ્યું હતું કે, લક્ષદ્વીપના લોકો નવી ચીજ શીખવા અને અપનાવવા માટે કેટલા ઉત્સાહિત છે તે આ પહેલ દ્વારા દેખાયું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં લક્ષદ્વીપ ખાતે ‘આત્મનિર્ભર ભારત’ના વિકાસના ઉદ્દેશ માટે ‘ન્યુટ્રી ગાર્ડન’ પરિયોજના શરૂ કરવામાં આવી છે. જેમાં 1000 જેટલા ખેડૂતોને શાકભાજીના બિયારણ અને છોડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જેનાકારણે પ્રદેશમાં તાજી શાકભાજીની આપૂર્તિમાં વધારો થયો છે. જેમાં લક્ષદ્વીપની મહિલાઓ વધુ લાભાન્વિત થઈ રહી છે.
લક્ષદ્વીપમાં શરૂ કરાયેલા ‘ન્યુટ્રી ગાર્ડન’ પ્રોજેક્ટમાં પ્રગતિશીલ ખેડૂતોને કેરી, જામફળ, ચીકુ, લીંબુ, કેળાં, પપૈયા, આમળા જેવા ફળો અને ટામેટાં, મરચાં, ચોળી, રીંગણ, ભીંડા જેવી શાકભાજીઓના બિયારણ અને છોડ મફતમાં વિતરીત કરાયા હતા. લક્ષદ્વીપના દરેક દ્વીપોમાં કાળા મરી જેવા મસાલાને પણ ટ્રાયલના રૂપમાં સામેલ કરાયા છે.
અત્રે નોંધનીય છે કે, લક્ષદ્વીપની મોટાભાગની શાકભાજીની જરૂરિયાતો પડોશી રાજ્યોથી પુરી કરવામાં આવે છે. જે શાકભાજી અને ફળો તાજા પણ નથી રહેતા. કારણ કે, તેના અવાગમનમાં જ લગભગ પાંચ દિવસનો સમય પુરો થાય છે. તેથી આ પડકારનો સામનો કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સંઘપ્રદેશ પ્રશાસને ‘ન્યુટ્રી ગાર્ડન’ પ્રોજેક્ટના માધ્યમથી પહેલાં વર્ષે લક્ષદ્વીપના દરેક 10 દ્વીપોમાં બિયારણની કીટ અને ફળો, શાકભાજી અને મસાલાના પણ લગભગ 15000 જેટલા ગુણવત્તાયુક્ત છોડોનું વિતરણ કરાયું છે. હવે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસોના ફળસ્વરૂપ લક્ષદ્વીપના લોકોને પ્રદેશમાં જ તાજી શાકભાજી અને ફળોનો લાભ મળતો થશે.