સવારે 7:30થી બપોરના 1:30 વાગ્યાની જગ્યાએ સવારના 9:30 થી સાંજના 4:30નો સમય કરાતા ફૂંકાઈ રહેલો વિરોધનો વંટોળ
ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓનું ખોરવાયેલું સમય પત્રકઃ બપોરે મચ્છીમારી અને ખેતીમાં મદદ કરવાની સાથે ટયૂશનમાં પણ પડનારો વિક્ષેપ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : દમણ અને દીવમાં ધોરણ 1 થી 12ની સરકારી શાળાઓનો સમય સવારે 9:30 વાગ્યાથી સાંજના 4:30 કરાતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. દીવની વિદ્યાર્થીનીઓએ રેલી કાઢી આ સમયપત્રકનો વિરોધ પણ કર્યો હોવાની જાણકારી મળી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રી અરૂણ ટી.ની મંજૂરીથી શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલે દાદરા નગર હવેલી અને દમણ-દીવની શાળાઓનોસમય એકરૂપ રાખવા માટે સવારે 9:30 થી સાંજે 4:30 સુધીની શાળા કરવાનો આદેશ જારી કર્યો છે. જેમાં જે શાળાઓમાં બે પાળી(શિફટ) ચાલતી હોય તે શાળાના સમય પત્રકમાં કોઈ ફેરફાર કર્યો નથી.
વાલીઓ અને વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે સવારે 9:30 થી 4:30નો સમયગાળો કરવાથી તેમનું સંપૂર્ણ રૂટિન ખોરવાઈ જવાની ભીતિ છે. કારણ કે, જ્યારે શાળા 7:30 થી બપોરના 1:30 સુધીની હતી ત્યારે બપોરે 3:00 થી 6:00 દરમિયાન ટયૂશન તથા પોતાના પરિવારના મચ્છીમારી કે ખેતીના કામમાં મદદરૂપ થતાં હતા. દમણના મોટાભાગના વાલીઓ શ્રમજીવી હોવાના કારણે પોતાના સંતાનને સવારે શાળામાં છોડી તેઓ નિરાંતથી ફેક્ટરીમાં જતા હતા. હવે સવારના 9:30નો સમયગાળો થવાથી પોતાનું સંતાન શાળાએ સમયસર જશે કે નહીં તેની ચિંતા સતાવતી રહેવાનો ભય પણ પ્રગટ કરી રહ્યા છે.
બીજી બાજુ શિક્ષકો માટે પણ સવારના 9:30 કલાકનો સમય થવાથી પારિવારિક ઉપાધિ શરૂ થવાની ભીતિ પ્રગટ થઈ રહી છે. કારણ કે, મોટાભાગની મહિલા શિક્ષિકાઓ બપોરે ઘરે આવી પોતાના પરિવાર માટે ભોજન તૈયાર કરી શકતી હતી.
દીવના વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે સવારની શાળા હતી ત્યારે તેઓ મચ્છીમારીના વ્યવસાયમાં પોતાના પરિવારને મદદરૂપ થઈ શકતા હતા. તેથી પહેલાંની માફક જ સવારે 7:30 થીબપોરના 1:30 સુધીનો સમય રાખવા માંગણી ઉગ્ર બની રહી છે.
અત્રે નોંધનીય છે કે, સવારના 7:30 થી બપોરના 1:30 વાગ્યા સુધીની ચાલી રહેલી શૈક્ષણિક વ્યવસ્થા સરળ અને સફળ હતી. જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને પણ રાહત રહેતી હતી.
દીવના વિદ્યાર્થીઓએ રેલી કાઢી પોતાનો રોષ પણ પ્રગટ કર્યો હતો. જ્યાં દીવના એડીએમ ડો. વિવેક કુમાર અને ડેપ્યુટી કલેક્ટર શ્રી શિવમ મિશ્રાએ વિદ્યાર્થીઓને સમજાવાની કોશિષ કરી હતી.