દમણવાડા ગ્રા.પં.ના સેક્રેટરી નિખીલ મિટનાની કચીગામ બદલીઃ દમણવાડાના સેક્રેટરી તરીકે પ્રિયાંક પટેલે સંભાળેલો અખત્યાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.21: દમણવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટનાની કચીગામ ગ્રામ પંચાયત ખાતે બદલી થતાં અને નવા સેક્રેટરી તરીકે શ્રી પ્રિયાંક પટેલે અખત્યાર સંભાળતાં પંચાયત દ્વારા વિદાયમાન-આવકાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ છેલ્લા 31 મહિનાથી સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહેલા શ્રી નિખિલ મીટનાના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓના જીવનમાં બદલી-બઢતી હંમેશા જોડાયેલી રહે છે. શ્રી નિખિલ મીટનાએ અઢી વર્ષ સાથે જોડાઈને કરેલા કામ બદલ તેમનો આભાર પણ પ્રગટ કર્યો હતો અને જણાવ્યું હતું કે, દમણવાડા ગ્રામ પંચાયતમાં તાલીમ લઈને જઈ રહ્યા છે ત્યારે અઘરામાં અઘરૂં કામ કરવા હવે શ્રી નિખિલ મીટના સમર્થ બની ગયા હોવાનો વિશ્વાસ પ્રગટ કર્યો હતો અને તેમને શુભેચ્છા વિદાયમાન આપવામાં આવ્યું હતું.
નવા વરાયેલા સેક્રેટરી શ્રી પ્રિયાંક પટેલનું અભિવાદન કરી દમણવાડા ગ્રામ પંચાયતના વિકાસમાં ટીમ બની કામકરવા સરપંચશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે વિદાય લઈ રહેલા સેક્રેટરી શ્રી નિખિલ મીટનાને એક સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે પંચાયત સભ્ય શ્રી વિષ્ણુ બાબુ, દમણવાડા ગ્રા.પં.ના પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, દમણવાડા ગ્રા.પં.ની સલાહકાર સમિતિના સભ્ય શ્રી હરેશભાઈ (પપ્પુભાઈ) બારી, શ્રીમતી મધુબેન બારી, સ્ટાફના સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.