સભાસદોએ ધિરાણ સહિતના મુદ્દાઓ પર પ્રશ્નો કરી સત્તાધિશોના વહીવટ સામે રોષ ઠાલવતા વાતાવરણ ગરમાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, (વંકાલ), તા.26
કુકેરી ગામની સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા ઈન્ચાર્જ પ્રમુખ ગણપતસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાતા વર્ષ દરમ્યાન ખેડૂતોને આપવામાં આવતા ખાતર, ધીરાણ, ખેતી ઉપયોગી ઓજાર સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં સભાસદો દ્વારા થાપણ પર કરવામાં આવતા ધિરાણ બાબતે સત્તાધીશો દ્વારા વ્હાલાદવલાની નીતિ આપનાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે પ્રશ્નોનો મારો ચલાવી ભારે પસ્તાળ પાડી હતી. આ ઉપરાંત કર્મચારીની ભરતી, અનાજ વિતરણ સહિતની બાબતે પણ સભાસદોએ સવાલો કરી થાપણ પર ધિરાણ સહકારીકાયદાની જોગવાઈ મુજબ ફાળવવા અને આગામી દિવસોમાં એક હથ્થુ શાસન અને સત્તાધીશોની મનમાની ચલાવી લેવામાં આવશે નહિ. તેમ સભાસદોએ રોકડું પરખાવી દેતા સાધારણ સભામાં વાતાવરણ ગરમાયુ હતું. જોકે ઈન્ચાર્જ પ્રમુખ, કારોબારી સમિતિએ સભાસદોની મહત્તમ રજૂઆતને ધ્યાનમાં લઈ આવનારા સમયમાં સહકારી કાયદાની જોગવાઈ મુજબ વહીવટ કરવાની ખાતરી આપી હતી.
કુકેરીની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 50-મી વાર્ષિક સાધારણ સભામાં વાર્ષિક હિસાબો મંજુર કરવામાં આવ્યા હતા. સભાસદોની વ્યવસ્થાપક કમિટીના સભ્ય અને પ્રમુખ પશુપાલક ન હોવા અંગે પણ પ્રશ્ન રજૂ કરવામાં આવતા જેમાં ઉગ્ર ચર્ચા હાથ ધરાતા પ્રમુખ અમ્રતસિંહ પરમાર અને સભ્ય નવનીત પટેલ પોતે પશુપાલક ન હોય ઘરે પશુઓ પાડેલા નથી અને બહારની વ્યક્તિ પર પોતાના નામે ડેરીમાં દૂધ ભરતા હોવા બાબતે પણ ભારે પ્રસ્તાળ પડવા સાથે આવા વ્યક્તિઓ સંસ્થાની ચૂંટણીમાં ભાગ ન લઈ શકે જે અંગે ઠરાવ કરવાની રજૂઆત કરાતા જેની નોંધ લઈ યોગ્ય કરવાની ખાતરી સભાસદોને અપાઈ હતી.
વાર્ષિક સાધારણ સભામાં દૂધ મંડળીના મંત્રી નિતીનસિંહ પરમાર અને સહકારી મંડળીના મંત્રી જશવંતસિંહ પરમાર દ્વારા વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા.