(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કેન્દ્રિય સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રી શ્રી નારાયણ રાણેનું એક હોટલના સભાખંડમાં આયોજીત સમારંભમાં અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી શ્રી નારાયણ રાણેએ સંઘપ્રદેશમાં એમએસએમઈ અને અન્ય ઉદ્યોગોના વિકાસ માટે નિર્ધારિત સમયમાં યોગ્ય વ્યવસ્થા કરવાનો ભરોસો આપ્યો હતો. તેમણે આવતા દિવસોમાં પોતાના મંત્રાલયના અધિકારીઓ સાથે સંઘપ્રદેશની ફરી મુલાકાત કરવાનું પણ વચન આપ્યું હતું અને તે દરમિયાન એમએસએમઈ અને અન્ય ઉદ્યોગોના વિકાસનોરસ્તો કેવી રીતે ઝડપી બને તે બાબતે મંથન કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ડીઆઈએના અધ્યક્ષ શ્રી પવન અગ્રવાલે કેન્દ્રિય મંત્રી શ્રી નારાયણ રાણેએ બતાવેલા હકારાત્મક અભિગમની પ્રશંસા કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આવતા દિવસોમાં સંઘપ્રદેશ એમએસએમઈ તથા અન્ય ઉદ્યોગોના ક્ષેત્રે પણ હજુ વધુ વિકાસ કરશે.
આ બેઠકમાં ડીઆઈએના પ્રતિનિધિઓ તથા સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ ન.પા.ના પ્રમુખ શ્રી અસ્પીભાઈ દમણિયા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.