(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસના ભુરકુંડ ફળિયામાં રહેતી અને ઝંડાચોક સરકારી શાળામાં ધોરણ 7માં ભણતી છોકરીએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ઈશ્વરભાઈની ચાલ ભુરકુંડ ફળીયા સેલવાસ ખાતે રહેતી 13 વર્ષિય કિશોરી ધોરણ સાતમાં ઝંડાચોક ખાતેની શાળામાં ભણતી હતી. તેનો ભાઈ બપોરે શાળા બહાર છોડી ગયો હતો. પરંતુ કિશોરી શાળામાં ગઈ ન હતી અને પરત પોતાના ઘરે આવી હતી. કિશોરીએ ઘરના દરવાજાને અંદરથી બંધ કરી અગમ્ય કારણોસર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. કિશોરીનો ભાઈ બપોરે ઘરે આવ્યો તો ઘરના દરવાજાનું તાળુ ખુલ્લુ હતું અને અંદરથી દરવાજો બંધ હતો. જેથી એણે દરવાજો ખખડાવ્યો પણ કોઈ જ જવાબ નહીં મળતાં એની માતા જે ખાનગી કંપનીમાં નોકરી કરે છે, તેમને અને પોલીસને ફોન કરી જાણ કરવામાં આવી હતી.
પોલીસની ટીમ ઘટના સ્થળે આવ્યા બાદ દરવાજો તોડી અંદર જોતા કિશોરી ઘરની અંદર ગળે ફાંસો લગાવેલ હાલતમાં જોવા મળી હતી. પોલીસે લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ (પી.એમ.) માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. મોતને વ્હાલું કરનાર છોકરીના પિતા પોતાના ગામ બિહાર ગયેલ છે અને માતા કંપનીમાં નોકરી કરેછે. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.