પ્રકૃતિના સાનિધ્યનો અનેરો અનુભવ કરાવતો કપરાડા તાલુકાનો
કોલવેરા ડુંગર પર્યટકો માટે નવું ડેસ્ટિનેશન
કોલવેરા ડુંગર અનેક પ્રાચીન માન્યતાઓ સાથે જોડાયેલો અત્યંત રમણીય,
નયનરમ્ય પહાડી નજારાઓથી ભરપુર છે
કોલવેરા ગામ વલસાડના અનેક વિસ્તરોની જીવાદોરી સમાન
કોલક નદીનું ઉદગમ સ્થાન છે
(ખાસ લેખ – સલોની પટેલ)
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ: તા. ૧૭: જો ચોમાસામાં તમે ક્યાંક એવા સ્થળે ફરવાનો વિચાર કરી રહ્યા છો કે જ્યાં તમને શિમલા-મનાલીના પહાડો જેવી અનુભૂતિ મેળવવી હોય, વાદળો તમારી નજરો સામેથી પસાર થતાં હોય, સામે ડુંગરો ઉપરથી વહેતા ઝરણા દેખાતા હોય અને લીલીછમ હરિયાળી ચાદરોથી ઢંકાયેલા પહાડોને માણવું હોય તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોલવેરા હિલ સ્ટેશનની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. હિલ સ્ટેશન ઉપર પહોંચતી વેળા તમને એડવેન્ચરસ ઘાટીલા રસ્તાઓનો અનોખો અનુભવ પણ માણવા મળે છે.
દક્ષિણ ગુજરાતમાં સાપુતારા હિલ સ્ટેશન તરીકે પ્રખ્યાત છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વલસાડ જિલ્લાનું વિલ્સન હિલ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અત્યાર સુધી જિલ્લામાં વિલ્સન હિલ જ હિલ સ્ટેશન તરીકે પ્રખ્યાત છે પરંતુ હાલમાં વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કપરાડા તાલુકામાં કોલક નદીના ઉદગમ સ્થાન એવા કોલવેરા ગામ અને અત્યંત રમણીય કોલવેરા ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે અથાગ પ્રયત્નો કરાતાં કોલવેરા હિલ સ્ટેશન હવે પર્યટકો માટે નવું ડેસ્ટિનેશન બન્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોલક નદીના ઉદગમ સ્થાનથી કોલવેરા ડુંગર ઉપર જવા માટે હાલમાં જ રૂ.૮૦ લાખના ખર્ચે પાકો ડામર રોડ એકદમ ઉપર સુધી બનાવવામાં આવ્યો છે. વાસ્મો દ્વારા ડુંગર ઉપર પીવાના પાણી માટેની વ્યવસ્થા, તેમજ વધુ વિકાસ કર્યોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. જેથી કપરાડા તાલુકામાં પણ પ્રવાસનને વેગ મળશે.
કોલવેરા ડુંગર અને કોલક નદીના ઉદગમ સ્થાન સાથે અનેક લોકવાયકાઓ, ધાર્મિક માન્યતાઓ અને ઈતિહાસ જોડાયેલા છે. અહીંના લોકો આ ડુંગર અને નદીના ઉદગમ સ્થાનને અત્યંત પવિત્ર માની એની પુજા કરે છે. વાત કરીએ કોલક નદીના ઉદગમ સ્થાનની તો એવી માન્યતા છે કે નદીનો ઉદગમ આશરે ૫૦૦ થી ૬૦૦ વર્ષ પહેલા થયો હતો. એક વ્યક્તિ ‘કોળવું’(સ્થાનિક ભાષામાં-ઉંદર પ્રજાતિનું પ્રાણી) ને બખોલમાંથી પકડવાના પ્રયાસમાં ઉંડે સુધી ખોદતો જ ગયો ત્યારે અચાનક પાણીની ધારાઓ નીકળતાં અહીંથી કોલક નદીનો ઉદભવ થયો હતો. ‘કોળવું’ ઉપરથી નદીનું નામ ‘કોલક’ અને કોલક ઉપરથી ગામનું નામ પડ્યું ‘કોલવેરા’. ૫૦ કીલોમીટર લંબાઈ ધરાવતી કોલક નદી જિલ્લાના અનેક વિસ્તારોની જીવાદોરી સમાન છે. જિલ્લાની દરેક નદીઓ અલગ અલગ નદીઓના સંગમથી બને છે જ્યારે કોલક જ જિલ્લાની એકમાત્ર એવી નદી છે જે એના ઉદગમ સ્થાનથી નીકળી સીધી અરબી સમુદ્રમાં ભળે છે.
કોલવેરા ડુંગર અનેક પ્રાચીન માન્યતાઓ સાથે જોડાયેલો અત્યંત રમણીય, નયનરમ્ય પહાડી નજારાઓથી ભરપુર છે. ગામના વરિષ્ઠ નાગરિક બુધિયાભાઈ ઢાકલભાઈ ધૂમ જણાવે છે કે અહીંના આદિવાસી લોકો માટે આ ડુંગર અત્યંત પવિત્ર છે, તેમાં દેવોનો વાસ હોવાનું પણ મનાય છે. લોકવાયકા પ્રમાણે અહીં દેવોએ અનાજ દળવાની ઘંટી, અનાજ ખાંડવા માટે ખાંડણીયા, કુવો, પાણી સંગ્રહ માટે ત્રણ ટાંકા અને મંદિર બાંધકામ માટે પાયાઓ બનાવ્યા હતા જેમાંથી ખાંડણીયા, કુવા, ટાંકા અને મંદિર બાંધકામના પાયાના અવશેષો આજે પણ હયાત છે. ડુંગર ઉપર બંને બાજુ માવલી(માવલી આદિવાસી દેવ)પણ આવેલી છે જેની અહીંના લોકો દર પાંચ વર્ષે વાઘબારસના દિવસે સિંદુર ચડાવી પૂજા-અર્ચના કરે છે. એક બાજુ કોલવેરા ગામ અને બીજી બાજુ સરવરટાટી ગામના લોકો પુજા કરે છે. આ પૂજા અત્યંત પવિત્ર હોવાથી અમુક લોકો જ પુજા કરવા માટે ડુંગર ઉપર ચડે છે જેના માટે તેઓ ખાસ નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે. પુજાની વિધિ રાત્રિથી શરૂ કરી બીજા દિવસે રાત્રિ સુધી ચાલે છે. જેમાં રાત્રિ દરમિયાન અહીંના લોકો નદીના ઉદગમ સ્થાન પાસે દેવ પૂજા, જાગરણ, ભજન, ધાંગળ ભક્તિ અને માવલી નાચ નાચે છે.
પ્રવાસન સ્થળ તરીકે વધુ વિકાસ થાય તો અહીનાં સ્થાનિકોને પણ રોજગારી મળી રહે એમ છે. તેથી આ કામ માટે સ્થાનિક વહીવટી તંત્ર બનતા પ્રયત્નો કરી રહ્યું છે. સ્થાનિકોનું કેહેવું છે કે પ્રવાસન સ્થળ બને તે આ વિસ્તાર માટે મહત્વની વાત છે પરંતુ આ સ્થળોની પવિત્રતા જળવાઈ રહે એ પણ ખૂબ અગત્યનું છે. ડુંગર ઉપર કોઈ પણ પ્રકારની ગંદકી કરવી નહી ત્યાં સ્વચ્છતા જાળવવી જરૂરી છે. દરેક પ્રવાસીઓએ કોઈ પણ પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા જાળવવી એવો ખાસ અનુરોધ છે.
નોંધ:- કોલવેરા ડુંગર ઉપર જવાનો રસ્તો જટિલ ઘાટ ધરાવે છે તેથી વાહન હંકારતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. કેલવેરાની પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની શરૂઆત થઈ હોવાથી હાલમાં ડુંગર ઉપર સંરક્ષણ દિવાલ કે કોર્ડન ન હોવાથી ડુંગરના કિનારે જઈ ફોટોગ્રાફી કરવી કે સેલ્ફી લેવી નહીં.